પત્રકાર જઈદ પવારનું અકસ્માતમાં કરુણ મોત, પરંતુ તેમની હ્યુન્ડાઇ એક્સ્ટર કાર ક્યાં ગઈ? અનેક સવાલો ઊભા થયા

On: November 7, 2026 2:29 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વલસાડ: વલસાડના મોટી સરોણ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સર્જાયેલા માર્ગ અકસ્માતમાં પત્રકાર જઈદ પવારનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજતાં પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. જોકે, આ દુઃખદ અકસ્માત બાદ તેમની હ્યુન્ડાઇ એક્સ્ટર કાર ગુમ હોવાનો મુદ્દો સામે આવતાં સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

મળતી માહિતી મુજબ, મૂળ ડાંગ જિલ્લાના પીપલપાડા ગામના અને હાલ વલસાડના નંદાવલા વિસ્તારમાં રહેતા જઈદ પવાર વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય હતા. તેમણે વલસાડ અને નવસારી જિલ્લામાં પણ પત્રકાર તરીકે સેવાઓ આપી હતી અને હાલમાં ડાંગ જિલ્લામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા હતા.

તા. 6 નવેમ્બરના રોજ જઈદ પવાર પોતાના મોટાભાઈ અને દિવ્ય ભાસ્કરના પત્રકાર સોમનાથભાઈ પવાર સાથે ડાંગથી વલસાડ આવવા નીકળ્યા હતા. બંને ભાઈઓ અલગ-અલગ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન મોટી સરોણ મહાદેવ હોટલ નજીક NH-48 પર મોટી સરોણના કટ પાસે જઈદ પવાર રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા.

અકસ્મતમાં જઈદ પવારને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતાં તેમને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહનચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ જઈદ પવારની હ્યુન્ડાઇ એક્સ્ટર કારને લઈને ઊભો થયો છે. અહેવાલ મુજબ, તેઓ ડાંગથી પોતાની કાર લઈને વલસાડ આવવા નીકળ્યા હતા. પરંતુ અકસ્માત સમયે તેઓ પગપાળા રસ્તો ઓળંગી રહ્યા હતા અને ઘટનાસ્થળની આસપાસ તેમની કાર જોવા મળી નહોતી. અકસ્માત બાદ પણ તેમની કાર અંગે કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પરિણામે કાર ક્યાં છે અને તે ઘટનાસ્થળેથી કેવી રીતે ગાયબ થઈ તે અંગે પરિવારજનોમાં ચિંતા સાથે અનેક સવાલો ઊભા થયા છે.

પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો, પત્રકાર જગતમાં શોક

જઈદ પવારના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે. પરિવારના મોભી સમાન વ્યક્તિના અચાનક નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વલસાડ અને ડાંગ સહિતના પત્રકાર મિત્રો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. તેમના વતન ડાંગ જિલ્લાના પીપલપાડા ગામે અંતિમવિધિ કરવામાં આવશે.

એક તરફ પત્રકારના કરુણ અવસાનથી શોકની લાગણી છે, તો બીજી તરફ તેમની ગુમ થયેલી કાર અંગેની હકીકત બહાર આવે અને સમગ્ર ઘટનાની તમામ કડીઓ સ્પષ્ટ થાય તેવી પરિવારજનોની અપેક્ષા છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!