



નવરાત્રી પર્વ નિમિત્તે ધરમપુરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિવિધ સ્થળોએ શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ અંતર્ગત SMSM હાઈસ્કૂલના પરિસરમાં શસ્ત્રપૂજન યોજાયું હતું. આ ઉપરાંત મહાલક્ષ્મી સોસાયટી ખાતેના ગરબા સ્થળે તેમજ નગરના મધ્યમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પણ શસ્ત્રપૂજનના કાર્યક્રમો યોજાયા હતા.
રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા નવરાત્રી દરમિયાન શસ્ત્ર-શાસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક વારસાનું જતન કરવાનો છે. પરિવારમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું મહત્ત્વ જળવાઈ રહે તેમજ નવી પેઢી ભારતીય પરંપરાઓથી પરિચિત બને તે દિશામાં પણ સમિતિ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે.
વિજયાદશમીના પાવન પર્વે દરેક હિન્દુ પરિવારમાં શસ્ત્ર-શાસ્ત્ર પૂજનની પરંપરા જળવાઈ રહે અને સમાજમાં સાંસ્કૃતિક જાગૃતિ વધે તે માટે સમિતિ દ્વારા પ્રેરણા આપવામાં આવી રહી છે.
SMSM હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પરિવાર, ધરમપુરના પ્રમુખ સુભાષભાઈ બાવરિયા સહિત માતૃશક્તિ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે અન્ય સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં સ્થાનિક આયોજકો અને શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.
શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ ભોયા, નગરપાલિકા પ્રમુખ મયંક મોદી, ભાજપ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, નગર ભાજપ પ્રમુખ અમિત ચોરેરા, નગરપાલિકા સભ્યો સમીપભાઈ રાંચ અને દીપમાલા ચોનકર, હિતેશ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્ર સેવિકા સમિતિનાં સેવિકાઓ આયુષી વાગડીયા, જાગૃતિબેન વાગડીયા, વંશીકા પટેલ, નગર કાર્યવાહિકા કિંજલબેન ખંધેડિયા, નગર શારીરિક પ્રમુખ ટીશા કંસારા તથા વલસાડ જિલ્લા શારીરિક પ્રમુખ પૂનમબેન કાપડી સહિતની બહેનો ઉપસ્થિત રહી હતી.





