માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ સાથે વલસાડ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું

On: October 23, 2026 8:23 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

જનજાતીય સમાજના ઐતિહાસિક બલિદાનને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતીય સમાજના અમૂલ્ય યોગદાન અને બલિદાનને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય સન્માન મળે તે હેતુથી જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા આજે વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના કેન્દ્રીય કાર્યકારી મંડળની તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રાજસ્થાનના ભીલવાડા ખાતે યોજાયેલી બેઠકમાં પસાર કરવામાં આવેલા ઠરાવ ક્રમાંક ૮ને અનુસરીને આ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે જરૂરી કાયદાકીય અને વહીવટી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે.

માનગઢ ધામનો ઇતિહાસ જનજાતીય સમાજના સંઘર્ષ, સ્વાભિમાન અને બલિદાનની ગૌરવગાથા સાથે જોડાયેલો છે. સંત શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં ચાલેલા ભગત આંદોલનને કચડી નાખવા માટે બ્રિટિશ શાસન દરમિયાન તા. ૧૭ નવેમ્બર, ૧૯૧૩ના રોજ માનગઢ ખાતે ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ૧,૫૦૦થી વધુ જનજાતીય મહિલા, પુરુષો અને બાળકોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.

આવેદનપત્ર દ્વારા માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા ઉપરાંત તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વને અનુરૂપ સંરક્ષણ તથા વિકાસ કરવા, ઐતિહાસિક દસ્તાવેજો અને સ્મૃતિઓનું સંકલન કરવા તેમજ જનજાતીય સમાજના સ્વાતંત્ર્ય સંગ્રામના યોગદાનને શાળા-કોલેજોના અભ્યાસક્રમમાં યોગ્ય સ્થાન આપવા માંગ કરવામાં આવી છે.

આવેદન પત્ર આપવા સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ વાવડીયા અને ધનજીભાઈ પવાર સહિત જનજાતિ કલ્યાણ આશ્રમના રાજેશભાઈ ભોયા, મનુભાઈ ભોયા, પીનુભાઈ ચૌધરી, રમેશભાઈ પવાર, અંશુયાબેન ગાંવિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, રાજ્યપાલશ્રી અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી સમક્ષ પણ આ માંગ કેન્દ્ર સરકાર સુધી અસરકારક રીતે પહોંચાડવા અને જરૂરી સંકલન કરવા અપીલ કરવામાં આવી છે.

માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવો એ માત્ર એક ઐતિહાસિક સ્થળને માન્યતા આપવાનો વિષય નથી, પરંતુ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જનજાતીય સમાજે આપેલા યોગદાન અને બલિદાનને રાષ્ટ્રીય ઇતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન આપવાની ઐતિહાસિક જવાબદારી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!