
પથ સંચલનનું પુષ્પવર્ષા સાથે સ્વાગત, ધરમપુર નગર સહિત તાલુકામાં 08 સ્થાનો ઉપર જાહેર કાર્યક્રમો યોજાયા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ધરમપુર અને માંકડબન મંડળ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે ધરમપુર નગરમાં શિસ્તબદ્ધ પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા પથ સંચલનનું નગરજનો દ્વારા પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

પથ સંચલન બાદ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરમાં જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગણવેશધારી સ્વયંસેવકોએ વ્યાયામયોગ અને સામૂહિક સમતા સહિતનાં શારીરિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે અતિથિઓ અને સ્વયંસેવકો દ્વારા શસ્ત્રપૂજન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શિવકથાકાર શ્રી બટુકભાઈ વ્યાસે પ્રેરક ઉદબોધન આપ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વલસાડ જિલ્લા સહ કાર્યવાહ શ્રી ભરતભાઈ ગાલા દ્વારા મુખ્ય વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિજયાદશમી ઉત્સવના સમાપન પ્રસંગે ભારતમાતાને પરમ વૈભવ સુધી લઈ જવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
આ ઉપરાંત ધરમપુર તાલુકાનાં કાંગવી, હનમતમાળ, સીડુંબેર, બોપી, અવલખંડી, પીપલપાડા અને પંગારબારી સહિતનાં સ્થળોએ પણ વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ, ધરમપુર તાલુકામાં કુલ આઠ સ્થળોએ શ્રી વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.







