વાપીમાં ‘અર્થમંથન’માં અર્થશાસ્ત્ર અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ

On: July 18, 2026 9:15 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

MD Realtyની બિઝનેસ મીટમાં RERA કાયદો, રોકાણ, બિઝનેસ ગ્રોથ અને નાણાકીય સ્વતંત્રતા અંગે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને નિષ્ણાતોનું માર્ગદર્શન

વાપી. ટુકવાડા અવધ ખાતે MD Realtyના ઉપક્રમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે વિશેષ બિઝનેસ મીટ ‘અર્થમંથન’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મેરીગોલ્ડ હોલ, અવધ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં RERA કાયદો, બિઝનેસ ગ્રોથ, બિઝનેસ મોનેટાઇઝેશન અને કેપિટલ સ્ટ્રક્ચરિંગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું.

‘પૈસા કમાવા સાથે સ્થિર લક્ષ્મી માટે પુણ્ય અને સેવા પણ જરૂરી’ : કપિલ સ્વામીજી

કાર્યક્રમની શરૂઆત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી કપિલ સ્વામીજીએ આશીર્વચન સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક સમયનું નાનું વાપી આજે મહાનગર બન્યું છે. આ વિકાસયાત્રામાં ઔદ્યોગિક એકમોના સંચાલકો, રોકાણકારો, ડેવલપરો તેમજ નાના-મધ્યમ વેપારીઓ સહિત અનેક લોકોનું અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન છે. આજે વિશ્વ ગ્લોબલ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે આર્થિક વિકાસ સાથે મૂલ્યોનું જતન પણ એટલું જ જરૂરી છે.

કપિલ સ્વામીજીએ જણાવ્યું હતું કે, “જીવનમાં પૈસા કમાવા જરૂરી છે, પરંતુ સ્થિર લક્ષ્મી કમાવું તેનાથી પણ વધુ જરૂરી છે. લક્ષ્મી ચંચળ છે, તેને સ્થિર રાખવા માટે પુણ્ય કમાવું, સેવાકીય પ્રવૃત્તિ કરવી, ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવી તથા મનમાં કરુણા અને દયાભાવ રાખવો જરૂરી છે.” તેમના આશીર્વચનથી કાર્યક્રમમાં અર્થશાસ્ત્ર અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ સર્જાયો હતો.

‘RERA જાણ્યા વિના રિયલ એસ્ટેટમાં રોકાણ નહીં, દસ્તાવેજોની તપાસ અનિવાર્ય’ : ડો. લલિત રાઈથાથા

કાર્યક્રમના મુખ્ય વક્તા ડો. લલિત રાઈથાથાએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખરીદદારો અને રોકાણકારોના હિતોની સુરક્ષા માટે અમલમાં આવેલો RERA કાયદો બિલ્ડરો, ડેવલપરો અને રિયલ એસ્ટેટ એજન્ટો માટે પારદર્શિતા અને જવાબદારી ફરજિયાત બનાવે છે તેમ જણાવ્યું હતું.

તેમણે સમજાવ્યું હતું કે પ્રોજેક્ટનું RERA રજિસ્ટ્રેશન, મંજૂર નકશા, બાંધકામની પ્રગતિ અને સમયમર્યાદા સહિતની વિગતો જાહેર કરવાની જોગવાઈ છે. RERA કાયદાથી રોકાણકારો અને ફ્લેટ ખરીદદારોને પ્રોજેક્ટની સાચી માહિતી મેળવવાનો અધિકાર મળે છે. બાંધકામમાં વિલંબ થાય તો કાયદેસરની રાહત તેમજ બાંધકામની ખામી સામે ફરિયાદ કરવાનો માર્ગ પણ ઉપલબ્ધ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બિલ્ડરો અને વેચાણકર્તાઓ માટે ખોટી જાહેરાત, ખોટા વચનો અને નિયમોના ઉલ્લંઘન સામે કડક જવાબદારી નક્કી કરવામાં આવી છે. નાગરિકોએ ફ્લેટ કે પ્રોજેક્ટમાં રોકાણ કરતા પહેલાં RERA નંબર, જમીનનું ટાઇટલ, જરૂરી મંજૂરીઓ, બિલ્ડરનો અગાઉનો રેકોર્ડ અને Agreement for Saleની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ રોકાણ કરવું જોઈએ. “RERA ખરીદદારો માટે સુરક્ષા કવચ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતાનું મહત્વપૂર્ણ સાધન છે,” તેમ તેમણે જણાવ્યું હતું.

‘નાના રોકાણથી મોટા લક્ષ્ય સુધીની સફર શક્ય’ : ડો. શૈલેશ લુહાર

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના કેમ્પસ ડિરેક્ટર ડો. શૈલેશ લુહારે એક શિક્ષકથી બિઝનેસમેન અને રોકાણકાર સુધીની પોતાની સફર અંગે પ્રેરણાત્મક માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે શરૂઆત નાની હોય તો પણ સતત પ્રયત્નો અને યોગ્ય રોકાણ મહત્વપૂર્ણ છે.

“નાના-નાના રોકાણો સમય સાથે મોટી સંપત્તિનું નિર્માણ કરી શકે છે. યોગ્ય આયોજન અને શિસ્તબદ્ધ રોકાણ દ્વારા વ્યક્તિ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે છે અને પોતાના પરિવારનું ભવિષ્ય પણ સુરક્ષિત કરી શકે છે,” તેમ તેમણે જણાવ્યું હતું.

‘નાણાકીય આયોજન અને યોગ્ય કેપિટલ સ્ટ્રક્ચરિંગથી બિઝનેસ ગ્રોથને નવી દિશા’ : દેવેન ચોક્સી

આ પ્રસંગે દેવેન ચોક્સીએ બિઝનેસ ગ્રોથ, બિઝનેસ મોનેટાઇઝેશન અને કેપિટલ સ્ટ્રક્ચરિંગ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વ્યવસાયિક વિકાસ માટે નાણાકીય આયોજન, યોગ્ય મૂડી વ્યવસ્થાપન અને ઉપલબ્ધ તકોના અસરકારક ઉપયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે નિષ્ણાતો સાથે જ્ઞાન, નેટવર્કિંગ અને વ્યવસાયિક તકો અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. MD Realty દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયિકો વચ્ચે મજબૂત નેટવર્ક ઊભું કરી “મજબૂત નાણાકીય સમુદાય, સાથે મળીને વિકાસ તરફ” (‘Stronger Financial Community to Grow Together’)ની દિશામાં આગળ વધવાનો હતો.
કાર્યકર્મને સફળ બનાવવ માટે એમડી રીયાલીટીના દીપકભાઈ પાટીલ, હેમંતભાઈ પંથ, ગગનભાઈ ચતુર્વેદી, મધુરભાઈ આહીર, હરદેવસિંહ રાઠોડ નાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!