[ad_1]

જીસીએનો બનાવટી મિડિયા પાસ જયપુરમાં બનાવ્યા
મોદી સ્ટેડિયમ નજીકની જ હોટલમાં ઉતરેલા જયપુરના બે પૈકી એક યુવક નાસી છૂટયો : બૂકીને સટ્ટા માટે મેસેજ મોકલતા હોવા અંગે તપાસ
અમદાવાદ : મોટેરા સ્ટેડીયમમાં બનાવટી મીડિયા પાસના આધારે ઘુસણખોરી કરીને લાઈવ મેચ જોઈ સટ્ટો રમાડવાનું નેટવર્ક ચાંદખેડા પોલીસે પકડી પાડયું છે. જયપુરનો મોહીતસિંઘ નામનો યુવક સ્ટેડિયમમાંથી ઝડપાઈ ગયો છે. જ્યારે, નાસીરહુસેન નામનો તેનો સાગરિત નાસી છૂટયો છે.
બન્ને યુવકો જયપુરથી પાંચ દિવસ પહેલાં આવ્યા હતા અને મોદી સ્ટેડિયમ નજીક આવેલી હોટલમાં ઉતર્યા હતા. બૂકીને સટ્ટા માટે મેસેજ મોકલતા હોવા અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બન્ને યુવકને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના બનાવટી પાસ બનાવી આપનાર જયપુરના શહેનશાહ સુરીખાન નામના યુવક અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
ચાંદખેડા પોલીસની ટીમ મોટેરા સ્ટેડિયમમાં ભારત – વેસ્ટ ઈન્ડિઝની મેચ દરમિયાન સ્ટેડિમની અંદર પોડીયમમાં અન બહારના ભાગ પેટ્રોલિંગ કરી રહી હતી. પોડીયમની ઉપરના ભાગે 246 નંબરની સીડી ઉપર અપર બાઉલમાં જે સિરીઝવાળી સીટો પાસે એક શખ્સ મોબાઈલ ફોનમાં સતત વ્યસ્ત જણાયો હતો.
આ શખ્સને તપાસતા તેણે ગળામાં જીસીએ (ગુજરાત ક્રિકેટ એસોસિશન) નામનો પાસ લગાવેલો હતો. પાસમાં મોહીતસિંઘ, બ્રોડકાસ્ટ મીડિયા સેન્ટલ લખેલું હતું. આ શખ્સ જસપુરના આદર્શનગરમાં રહેતા મોહીતસિંઘ ગજેન્દ્રપાલસિંઘ રાજપૂત (ઉ.વ. 27) હોવાનું જણાયું હતું.
પોલીસે જીસીએ (ગુજરાત ક્રિકેટ એસોસિએશન)માં તપાસ કરતાં આવી કોઈ વ્યક્તિને બ્રોડકાસ્ટ મીડિયા માટે આ પ્રકારનો પાસ ઈસ્યૂ કરાયો નથી તેમ જણાયું હતું. આખરે, ચાંદખેડા પોલીસે આ શખ્સની કડક પૂછપરછ હાથ ધરી હતી.
મોહીતસિંઘએ પોલીસને કેફિયત આપી કે, પોતે અને તેની સાથે નાસીરહુસૈન ઉર્ફે ઉમાશંકર (રહે. ખરબુજા મંડી, જયપુર) રાજસૃથાનથી પાંચ દિવસ પહેલા મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે મેચ ઉપર સટ્ટો રમવા માટે આવ્યા હતા. આ માટે સ્ટેડિયમ રોડ ઉપર આવેલી હોટલમાં રોકાયા હતા.
પ્રેક્ષકો વગર મેચ રમાવાની હોવાથી સ્ટેડિયમમાં કઈ રીતે પ્રવેશ મેળવવો તેનું સેટિંગ કરવા માટે પ્રયત્નશીલ હતી. આખરે બન્ને જણાએ નકલી પાસ બનાવવા માટે જયપુરના ઘાટ ગેટ પાસે રહેતા શહેનશાહ સુરીખાનનો ફોન ઉપર સંપર્ક કર્યો હતો. શહેનશાહે બન્નેને નકલી પાસ બનાવી આપવાની હા પાડી હતી.
જરૂરી વિગતો મોકલતાં શહેનશાહે જયપુરમાં નકલી પાસ બનાવીને મોબાઈલ ફોન ઉપર મોકલી આપ્યા હતા. પ્રિન્ટ કાઢીને લેમિનેશન કઢાવીને મોહીતસિંઘ આ પાસ ગળામાં લગાવીને સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો. લાઈવ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમવા માટે બનાવી પાસ બનાવવા અને કાવતરૂં ઘડી કાઢવા સહિતના મુદ્દે ગુનો નોંધી ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરી છે.
મોહીતસિંઘ લાઈવ મેચમાં 15 સેકન્ડસના ગેપથી સટ્ટાનો ગેરફાયદો લેવા માટે કોને મેસેજ મોકલતો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. ચાંદખેડા પી.આઈ. વી.એમ. દેસાઈએ જણાવ્યું કે, મોહીતસિંઘને ઝડપી લેવામાં આવ્યો છે. જયપુરથી સાથે આવેલો નાસીરહુસેન નાસી છૂટયો હતો. જ્યારે, જીસીએનો નકલી પાસ બનાવી આપનાર જયપુરના શહેનશાહ સુરીખાનને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
[ad_2]
Source link






