
સંગઠનથી સંકલ્પ સુધીનો સફર:
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ ગુજરાત પ્રદેશ સહમંત્રી અને વલસાડ જિલ્લાના ઊંટડી ગામના યુવા, ઉત્સાહી અને જઝ્બાદાર કાર્યકર હર્ષિતભાઈ દેસાઈને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના “ખેલો ભારત (રમતગમત) સેલ”ના પ્રદેશ સહ-કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક માત્ર એક પદ નથી, પરંતુ વર્ષો સુધીની અવિરત મહેનત, સંઘર્ષ અને રાષ્ટ્રપ્રેમી કાર્યની ગૌરવપૂર્ણ માન્યતા છે.

હર્ષિત દેસાઈ વિદ્યાર્થી કાળથી જ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા રહ્યા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી પ્રેરાઈ સ્વયંસેવક તરીકે તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે સતત રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સક્રિય રહ્યા છે. લગભગ 13 વર્ષ સુધી પરિષદમાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવતા તેમણે સંગઠનાત્મક કુશળતા, દૃઢ કાર્યશૈલી અને મજબૂત નેતૃત્વ દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
સામાન્ય કુટુંબ પૃષ્ઠભૂમિ હોવા છતાં, દેશસેવાની ભાવના સાથે તેમણે પોતાનું ઘર છોડી 2.5 વર્ષ સુધી પૂર્ણકાલીન કાર્યકર તરીકે દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં સેવા આપી હતી. કોલેજ કેમ્પસોમાં રાષ્ટ્રવાદી વિચારધારાને મજબૂત બનાવતા તેમણે યુવાનોમાં નવી ઊર્જા અને દિશા આપવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમના કાર્યકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વિદ્યાર્થી સંગઠન મજબૂત બન્યું અને વિદ્યાર્થી સંઘ ચૂંટણીઓમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ.
વર્ષ 2022માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડમાં ઝોન સંયોજક તરીકે પણ તેમણે વલસાડ, નવસારી, ભરુચ અને સુરત જિલ્લામાં રમતોત્સવ, સેવાકીય પ્રવૃત્તિઓ અને યુવા જોડાણના અનેક સફળ કાર્યક્રમો આયોજિત કર્યા.
વર્ષ 2023માં G20 અંતર્ગત Y-20 કાર્યક્રમોમાં તેમની ઉત્તમ કામગીરી બદલ તેમને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, જે તેમની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે.
આ તમામ નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપના નેતૃત્વ દ્વારા હર્ષિતભાઈ દેસાઈને “ખેલો ભારત” સેલના સહ-કન્વીનર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક યુવાનો સાથેના તેમના મજબૂત જોડાણ, સંગઠનક્ષમતા અને સક્રિય કાર્યશૈલી પર વિશ્વાસનો પ્રતિક છે.
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક ગેમ્સ માટે ગુજરાત તૈયારી કરી રહ્યું છે, ત્યારે હર્ષિત દેસાઈની જવાબદારી વધુ મહત્વપૂર્ણ બની છે. તેઓ ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં રહેલા યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ લાવવા, રમત સંસ્કૃતિને મજબૂત બનાવવા અને યુવાનોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મંચ પર નવી ઓળખ અપાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના “ફિટ યુથ – સ્ટ્રોંગ નેશન”ના વિઝનને સાકાર કરવા માટે હર્ષિતભાઈ દેસાઈનો સંકલ્પ અને કાર્યપ્રવાહ ગુજરાતના યુવા શક્તિને નવી દિશા અને ઊર્જા આપશે.





