શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

On: April 3, 2026 6:45 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


ધરમપુર, વલસાડ: દક્ષિણ ગુજરાતના શૈક્ષણિક જગત માટે બનેલ એક અત્યંત ગૌરવપૂર્ણ ઘટનામાં, ધરમપુર સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ (SRV) તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકારના નેજા હેઠળ કાર્યરત અગ્રણી સંસ્થા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC), ગાંધીનગર વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વિશેષ ગૌરવની બાબત એ છે કે દક્ષિણ ગુજરાતમાં શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, GBRC સાથે આ પ્રકારના વ્યાપક અને ઐતિહાસિક રિસર્ચ કરાર કરનાર પ્રથમ સાયન્સ કોલેજ બની છે.
આ MoU દ્વારા SRV ખાતે ભવિષ્યમાં શરૂ થનાર ‘B.Sc. (Hons) વિથ રિસર્ચ’ પ્રોગ્રામ પૂર્વે ફેકલ્ટી સભ્યોને Ph.D. ગાઈડ તરીકે તૈયાર કરવામાં આવશે. SRV ના વિદ્યાર્થીઓને GBRC ની અત્યાધુનિક સંશોધન સુવિધાઓમાં પ્રોજેક્ટ વર્ક અને બાયોટેકનોલોજી તાલીમ (ઇન્ટર્નશિપ) મેળવવાની તક મળશે. GBRCના અગ્રણી વૈજ્ઞાનિકો SRV ના શૈક્ષણિક સલાહકાર તરીકે માર્ગદર્શન આપશે અને SRV માં સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ અને વૈજ્ઞાનિક પ્રકાશનો દ્વારા ઉચ્ચ કક્ષાનું રિસર્ચ કલ્ચર વિકસાવવામાં આવશે, જે સ્થાનિક સમુદાયની સમસ્યાઓ ઉકેલવા સહાયક બનશે.
આ અવસરે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)ના ડિરેક્ટર (ઇન-ચાર્જ) ડૉ. સ્નેહલ બગથરિયાએ કહ્યું હતું કે, “GBRC અને શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ વચ્ચેનો આ સમજૂતી કરાર સંશોધન, શિક્ષણ અને નવીનતામાં સહયોગને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સહયોગ વૈજ્ઞાનિક જ્ઞાનને આગળ વધારવા અને ભાવિ પ્રતિભાને ઉછેરવામાં નોંધપાત્ર યોગદાન આપશે.”
પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ ગ્રામીણ વિસ્તારમાં હોવા છતાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન તકો પૂરી પાડવાના પોતાના પ્રયાસો માટે જાણીતી છે અને NEP 2020 સાથે સુસંગત સંશોધન દ્રષ્ટિને સાકાર કરી રહી છે. દક્ષિણ ગુજરાતના જરૂરિયાતમંદ ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે તે જ્ઞાન, સંશોધન અને વૈશ્વિક તકો તરફનું એક શક્તિશાળી દ્વાર બની રહી છે. હવે આ કરાર દ્વારા GBRC ના વિશાળ નેટવર્ક થકી અહીંના વિદ્યાર્થીઓને સંશોધન પ્રોજેક્ટ્સ, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને બાહ્ય ફંડિંગની તકો પણ મળશે.
આ સમજૂતી કરાર પર નીચે મુજબના પ્રતિષ્ઠિત પદાધિકારીઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા:
ડૉ. સ્નેહલ બગથરિયા, ડાયરેક્ટર, GBRC
શ્રી અંકિત પારેખ, ડાયરેક્ટર, શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ
ડૉ. મિલન ચંદારાણા, I/C પ્રિન્સિપાલ, શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ

આ ભાગીદારીને બે સંસ્થાઓ વચ્ચેના કરાર માત્ર તરીકે ન જોતાં, દક્ષિણ ગુજરાતમાં સંશોધન, વૈજ્ઞાનિક પ્રગતિ અને ગ્રામિણ યુવાઓના ભવિષ્યને નવી દિશા આપનાર એક દુરંદેશી અને પરિવર્તનકારી પહેલ રૂપે જોવામાં આવી રહી છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!