
વાપી :- ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.) યુનિટની સેવા કાર્યરત છે. સદર યુનિટની સમાજની સેવા પ્રત્યેની ઉત્કૃષ્ઠ પ્રતિબધ્ધતાથી ખુબ જ ઉલેખ્ખનીય કાર્ય અને રાષ્ટ્ર ભક્તિ, સમાજ જાગરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, બોઘ્ઘિક, વાર્ષિક શિબિર અને મુખ્યત્વે યુવા જાગરણ જેવા વિશિષ્ટ કાર્યને ઘ્યાનમાં રાખી, એન.એસ.એસ.માં સક્રિય કામગીરી બજાવનાર કોલેજના પ્રોગ્રામ ઓફિસરશ્રીઓનુ રાષ્ટ્રીય સેવા યોજના (N.S.S.)-વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરત દ્વારા આયોજિત એકદિવસીય કાર્યશાળા “સેવા હી સાઘના-૨૦૨૪” ના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ગુજરાત સરકારના

શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના વરદ હસ્તે કૉલેજને શૈક્ષણિક વર્ષ 2023-24 માટે પ્રતિષ્ઠિત “ શ્રેષ્ઠ N.S.S. કૉલેજ ” પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં V.N.S.G.U. ના કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, ડૉ. રમેશદાન ગઢવી (કુલસચિવશ્રી) અને રમતગમત અને N.S.S. ના ડાયરેકટરશ્રી ડૉ. પ્રકાશચંદ્ર પટેલ સહિત ઉચ્ચપદાઘિકારીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. સદર કોલેજની સફળતા એ N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ. ખુશ્બુ દેસાઈ દ્વારા પ્રદાન કરવામાં આવેલ અસાધારણ માર્ગદર્શન અને નેતૃત્વનું પ્રત્યક્ષ પરિણામ છે. આ સિદ્ધિના પ્રકાશમાં સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજના ગૌરવ બદલ આચાર્ય ડૉ. પૂનમ ચૌહાણે તેમજ ટ્રસ્ટગણે આનંદ વ્યક્ત કરી ડૉ. ખુશ્બુ દેસાઈ અને સમગ્ર N.S.S. ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપી ભવિષ્યમાં પણ ઉત્કૃષ્ઠ સેવા કાર્ય કરવા અને કોલેજના ગૌરવ મળે તેવી શુભેચ્છા પાઠવી હતી.





