[ad_1]

વડોદરા, તા. 29
વડોદરાના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ઉપર શ્રીમંત માટે તૈયાર થવાના બહાને આવેલી બે અજાણી મહિલાઓએ પોતે માતાજી હોવાનો ઢોંગ કરી પાર્લર સંચાલિકાના રૂપિયા 73 હજારની કિંમતના સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા વિધિ કરવાના બહાને પડાવી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે , દીકરીને વિદેશ મોકલવા તથા હોશિયાર બનાવવાની લ્હાયમાં પાર્લર સંચાલિકા અજાણી મહિલાઓની વાતોમાં આવી જતા મત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો.
વડોદરાના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ઉપર રહેતા 41 વર્ષીય સ્વાતિબેન પંચાલ પોતાના મકાન બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. ગઈકાલે બપોરના સુમારે તેઓના પાર્લરમાં બે અજાણી મહિલાઓ આવી હતી. અને 30મી તારીખે શ્રીમંત હોય તૈયાર થવા આવ્યા હોવાનું જણાવ્યું હતું . વાતચીત દરમિયાન પાર્લર સંચાલિકાએ પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જણાવતા તૈયાર થવા આવેલી મહિલાએ જણાવ્યું હતું કે, તમારે ત્યાં સ્વયં માતાજી આવ્યા છે. મનન પાર્ક ખાતે આવેલા દશામાના મંદિરેથી માતાજી આવ્યા છે. તમારી દીકરીને અમેરિકા જવાનું સપનું છે . અત્રે નોંધનીય છે કે , પાર્લર સંચાલિકા ની દીકરી ઘણી વખત ઘરમાં અમેરિકા જઈશ તેવી વાતો કરતી હતી. જેથી પાર્લર સંચાલિકા મહિલાઓને આ અંગેની ખબર તમને કેવી રીતે પડી તે બાબતે પૂછતાં મહિલાએ જણાવ્યું હતું કે હું પોતે માતાજી છું . અને પાર્લર સંચાલિકા ,તેની પુત્રી અને તેના પતિને જમીન પર બેસાડી મહિલા આંખો બંધ કરી ધૂણવાનો ઢોંગ કરવા લાગી હતી. સારું ભણવું હોય અને અમેરિકા જવું હોય તો વિધિ કરવી પડશે તેમ જણાવી 11 હજારની રૂપિયાની માગણી કરી હતી. જેથી 10 હજાર ધુણતિ મહિલાને આપ્યા હતા. આ દરમિયાન સોનાની વસ્તુ માંગી સોનાની વીંટી તથા ડોકયુ કાચની બોટલમાં મૂક્યું હતું. ત્યારબાદ મહિલાઓએ જણાવ્યું હતું કે અમે આવીએ ત્યાં સુધી શીરો બનાવીને રાખો આ કાચની બોટલ મંદિરે લઈ જઈએ છીએ . જ્યાંથી કંકુ પડે એટલે શીશીમાં ભરી લઈ આવીએ છીએ. પાર્લર સંચાલિકાએ પતિને કાર વડે મહિલાઓ સાથે મંદિરે જવા આગ્રહ કરતા મહિલાઓએ ઇનકાર કરી જણાવ્યું હતું કે તમારે ઘરની બહાર નીકળવાનું નથી અમે કલાકમાં પાછા આવીએ છીએ. તેમ કહી અજાણી સ્ત્રીઓ રૂપિયા 55 હજારની કિંમત ધરાવતું સોનાનું ડોકિયું , 10 હજારની કિંમત ધરાવતી સોનાની બે વીટી અને રોકડા રૂપિયા 8 હજાર મળી કુલ 73 હજારની મત્તા ચોરી નાસી છૂટી હતી. એક કલાક પછી મહિલાઓ પરત ઘરે ના આવતા મનન પાર્ક ખાતે આવેલા દશામાના મંદિરે તપાસ કરતા પોતે છેતરાયા હોવાની જાણ થઇ હતી.
[ad_2]
Source link






