વાપી મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી

On: June 21, 2026 11:04 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજ રોજ તા. 21 જૂન, 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે વાપી મહાનગરપાલિકા દ્વારા રોફેલ કોલેજના વિશાળ કેમ્પસ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ”ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગના માધ્યમથી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ભારતના માનનીય વડાપ્રધાનશ્રી તથા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રસારિત સંબોધનનું નિહાળન કર્યું હતું. તેમના પ્રેરણાદાયી સંદેશ દ્વારા યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા તથા તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

આ કાર્યક્રમમાં 500થી વધુ નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વહેલી સવારથી જ વિવિધ વયજૂથના નાગરિકો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો તથા વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પરિસરમાં યોગમય વાતાવરણ સર્જાયું હતું અને સૌએ એકસાથે યોગાભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.

ગુજરાત યોગ બોર્ડ, વલસાડ જિલ્લાના કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન વૈષ્ણવ દ્વારા વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. યોગ બોર્ડના અન્ય સભ્યોએ પણ યોગાભ્યાસમાં માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઉપસ્થિતોને નિયમિત યોગાભ્યાસના શારીરિક, માનસિક તથા ભાવનાત્મક લાભો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી મિતેશ દેસાઈ, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી સતીશભાઈ પટેલ, મહાનગરપાલિકાના કમિશનર શ્રી એન. એફ. ચૌધરી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી કિરણ રાણા, વાપી મહાનગરના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી મનીષ દેસાઈ,ચૂંટાયેલા કાઉન્સિલરો, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોને સ્વસ્થ, સક્રિય અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવી રોગમુક્ત અને તણાવમુક્ત જીવન જીવવાનો સંકલ્પ પણ લેવાયો હતો. આ પ્રસંગે યોગ માત્ર એક કસરત નહીં પરંતુ જીવન જીવવાની વૈજ્ઞાનિક અને સર્વાંગી પદ્ધતિ હોવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સુચારૂ અને સફળ સંચાલન વાપી મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારી શ્રી રામચંદ્ર દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે મહાનગરપાલિકાના તમામ વિભાગો, અધિકારીઓ, કર્મચારીઓ તથા સહયોગી સંસ્થાઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

વિશ્વ યોગ દિવસની આ ઉજવણી દ્વારા વાપી શહેરના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધારવાનો, સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો તથા “સ્વસ્થ નાગરિક – સ્વસ્થ શહેર”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની સફળતા નાગરિકોમાં યોગ પ્રત્યે વધતી જાગૃતિ અને ઉત્સાહનું પ્રતિબિંબ બની રહી હતી.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!