ભારતના વિકાસમાં ગુજરાતનું અનોખું યોગદાન”

ગુજરાત રાજ્ય આજે પોતાનો સ્થાપના દિન ઉજવી રહ્યું છે. ૧૯૬૦માં બોમ્બે રાજ્યમાંથી અલગ થઈને બનાવાયેલું ગુજરાત આજે દેશના સૌથી વિકસિત અને આર્થિક રીતે મજબૂત રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ઓછા વિસ્તાર અને માત્ર લગભગ ૫ ટકા વસ્તી હોવા છતાં ગુજરાત દેશના કુલ GDPમાં અંદાજે ૮ ટકા યોગદાન આપે છે – જે પોતે જ તેની શક્તિ બતાવે છે.
રાજ્યનું કુલ અર્થતંત્ર (GSDP) અંદાજે ₹29 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતનો વિકાસ દર સરેરાશ ૯થી ૧૦ ટકા રહ્યો છે. પ્રતિવ્યક્તિ આવક પણ ₹2.5 લાખથી વધુ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચી છે.
ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ છે. રાજ્યની અર્થવ્યવસ્થામાં ઉદ્યોગનો હિસ્સો લગભગ ૪૪ ટકા છે. દેશના કુલ ઉત્પાદનનો લગભગ ૧૭ ટકા ભાગ ગુજરાતમાંથી આવે છે. એટલું જ નહીં, ભારતના કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો અંદાજે ૩૩ ટકા છે. ખાસ કરીને પેટ્રોલિયમ, કેમિકલ અને ડાયમંડ ઉદ્યોગમાં ગુજરાત દેશનું નેતૃત્વ કરે છે. સુરત શહેર દુનિયાભરમાં હીરા પોલિશિંગ માટે જાણીતું છે, જ્યાંથી લગભગ ૮૦ ટકા હીરાની નિકાસ થાય છે.
કૃષિ ક્ષેત્રમાં પણ ગુજરાત પાછળ નથી. રાજ્યમાં કપાસ, મગફળી અને જીરૂ જેવા પાકોમાં ગુજરાત અગ્રેસર છે. કુલ અર્થતંત્રમાં કૃષિનો હિસ્સો લગભગ ૨૦ ટકા છે. ખેડૂતો નવી ટેકનોલોજી અપનાવીને ઉત્પાદન વધારી રહ્યા છે.
નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ગુજરાતની આર્થિક રીડ છે. છેલ્લા બે દાયકામાં MSME એકમોની સંખ્યા ઘણી વધી છે, જેના કારણે લાખો લોકોને રોજગાર મળ્યો છે. સાથે જ, રાજ્યમાં ૧૭ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ શરૂ થઈ ચૂક્યા છે, જે નવા યુવાનો માટે તકો ઊભી કરી રહ્યા છે.
એક રસપ્રદ અને ઓછી જાણીતી વાત એ છે કે ભારતના કુલ કેમિકલ ઉત્પાદનનો લગભગ ત્રીજો ભાગ ગુજરાતમાં થાય છે. ઉપરાંત, દેશની લગભગ ૪૦ ટકા કાર્ગો હેન્ડલિંગ પણ ગુજરાતના બંદરો દ્વારા થાય છે, જે રાજ્યને લોજિસ્ટિક્સમાં મજબૂત બનાવે છે.
ગુજરાત સરકારનું લક્ષ્ય ૨૦૩૦ સુધી રાજ્યને $1 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને ટેક્નોલોજીમાં સતત રોકાણથી આ લક્ષ્ય પ્રાપ્ત થવાની આશા છે.
ગુજરાત સ્થાપના દિન એ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ રાજ્યના વિકાસ અને યોગદાનને યાદ કરવાનો દિવસ છે. ગુજરાત આજે પણ “વિકાસનું એન્જિન” બનીને સમગ્ર દેશને આગળ ધપાવી રહ્યું છે.




