[ad_1]

– જાયવા ગામ સુધી બુટલેગરે જીપને કાચા રસ્તે રેઢી મૂકી ભાગી છુટ્યા: પોલીસે ૫૪૦ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો
– પોલીસે કબજે કરેલી જીપ ના રજીસ્ટ્રેશન નંબરના આધારે જીપના માલિક અને ચાલકની શોધખોળ
જામનગર, તા. ૩
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ પાસે દારૂ નો જથ્થો ભરેલી જીપનો પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, અને ધ્રોલ થી જાયવા સુધી જીપને ભગાવી મુકી કાચા રસ્તે ઉતારીને બુટલેગર ભાગી છૂટયા હતા. જે જીપમાંથી પોલીસે ૫૪૦ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો છે, જયારે જીપના રજિસ્ટેશન નંબરના આધારે તેના ચાલક તથા વાહન માલિકની શોધખોળ હાથ ધરી છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોલ માં ત્રિકોણબાગ નજીક રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં ધ્રોળ પોલીસ ના સ્ટાફ દ્વારા વાહનચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન જોડીયા થી જામનગર તરફ એક જીપ આવી પહોંચી હતી. પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતાં જીપચાલકે તુરત જ ધ્રોલ-રાજકોટ રોડ પર જીપને હંકારી મુકી હતી.
જેથી ફરજ પર હાજર રહેલા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વાડોલીયા એ તુરત જ ધ્રોલ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને જીપ ભાગી રહી હોવાની જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એમ. ઝાલા અન્ય પોલીસ ટીમને સાથે રાખીને પોલીસવાનમાં દોડ લગાવી હતી. અને આગળ જઈ રહેલી જીપને રોકવાના પ્રયત્ન કરીને પીછો કર્યો હતો. જેથી ધ્રોલ રાજકોટ ધોરીમાર્ગ પર રાત્રીના સાડા ત્રણ વાગ્યે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
આખરે જીપ ચાલકે જાયવા ગામના પાટિયા પાસે એક કાચા રસ્તે જીપને નીચે ઉતારી દીધી હતી, અને રાત્રીના અંધારામાં તેમાંથી છલાંગ લગાવીને ભાગી છૂટયા હતા.
ધ્રોળની પોલીસ ટુકડી ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી, અને રેઢી પડેલી જીપની તપાસણી કરતાં અંદરથી ૫૪૦ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂપિયા ૨ લાખ ૭૦ હજારની કિંમતનો ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો અને જી.જે ૩૮-ટી. ૪૬૨૦ નંબરની જીપ કબજે કરી લઈ, તેના વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે જીપના ચાલક અને માલિકની શોધખોળ હાથ ધરી છે.
[ad_2]
Source link






