[ad_1]
ડીસા,
તા. 26
ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આવેલી નગરપાલિકા સંચાલિત
કચરાના નિકાલ માટેની ડમ્પિંગ સાઈટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
અવાર નવાર લાગતી આગના કારણે વાહન ચાલકો સહિત આસપાસમાં રહેતાં સ્થાનિકોને ભારે
હાલાકીનો સામનો કરવો પડે છે.
ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આવેલ ગંગાનગરની સામે
નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈટમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ
સર્જાયો હતો. ડીસા નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈટમાં ડીસા શહેરનો તમામ કચરો
ઠાલવવામાં આવે છે અને તેનું રિફાઇનિંગ કરવામાં આવે છે. પરંતુ આ ડમ્પિંગ સાઈટમાં
છેલ્લા ઘણા સમયથી અનેકવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. વારંવાર લાગતી આગના કારણે
આજુબાજુની સોસાયટીના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મોટાભાગના રહીશોને
ગંભીર બીમારી પણ આ ડમ્પિંગ સાઇટમાંથી
નીકળતાં ધુમાડાના કારણે થાય છે. ડમ્પિંગ સાઈટમાં આગ લાગતા ચારે બાજુ
ધુમાડાના ગોટાઓ જોવા મળ્યા હતા. આ આગની ઘટનાને લઇ આજુબાજુના સ્થાનિક લોકોમાં પણ રોષ
જોવા મળ્યો હતો. બપોર બાદ લાગેલી આગના કારણે ડીસાથી પાટણ જતા વાહન ચાલકોને હાઇવે
પર પસાર થવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ અંગે અગાઉ પણ આ વિસ્તારમાંથી ડમ્પિંગ સાઈટ
હટાવવા માટે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે કલેક્ટરે પણ આ વિસ્તારમાંથી ડમ્પિંગ
સાઈટ હટાવવા માટે સુચના આપી છે. તેમ છતાં પણ નગરપાલિકાને જાણે લોકોના સ્વાસ્થ્યની
પડી ન હોય તેમ આજ સુધી ડમ્પિંગ સાઈટ હટાવવામાં આવી નથી. જેના કારણે અવારનવાર આગની
ઘટનામાં સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.
[ad_2]
Source link






