[ad_1]
અંબાજી/ મહેસાણા,
તા.23
દાંતા તાલુકાના હડાદ ગામે ગઈ મોડીરાત્રિના પેટ્રોલિંગ
દરમિયાન પોલીસે શંકાસ્પદ બે યુવકને પોલીસ સ્ટેશને પૂછતાછ માટે લઈ આવી હતી. બાદમાં
વહેલી સવારે એક યુવાને પોલીસ કસ્ટડીમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત વ્હોરી લીધો હતો. જેની
જાણ થતાં આદિવાસી સમાજના લોકોના ટોળેટોળાં
પોલીસ સ્ટેશને ઉમટી પડયાં હતા. જેના લીધે વાતાવરણ તંગ બની ગયું હતુ. કસ્ટોડીયલ
ડેથના બનાવની જાણ થતાં એ.એસ.પી.સુશીલ અગ્રવાલ, ઈન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો મારતી ગાડીએ હડાદ ગામે ધસી
ગયો હતો. આદિવાસી યુવાનના મૃતદેહને
સ્વીકારવાનો ધરાર ઈનકાર આદિવાસી સમાજે કર્યો હતો અને યુવાનની આત્મહત્યાના બનાવમાં
જવાબદારને અટકાયત કરી તેની સામે કડક પગલાં ભરી મૃતકના પરિવારને ન્યાય અપાવવાની
માગણી આદિવાસી સમાજના આગેવાનોએ કરી હતી. જો કે, આ લખાય છે ત્યાં સુધી મોડી સાંજ સુધી મૃતકના સગાસબંધીઓએ લાશને સ્વીકારી ન હતી અને આગેવાનો
સાથેની પોલીસ અધિકારીઓની વાટાઘાટો પડી ભાંગી હતી.
હડાદ પોલીસ વર્તુળોના જણાવ્યા અનુસાર ગઈ મોડીરાત્રિના
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ શંકાસ્પદ જણાતાં બે યુવાનોને પૂછતાછ કરવા માટે પોલીસમથકે
લઈ આવી હતી. જ્યાં મોડીરાત્રિ સુધી પોલીસ દ્વારા પૂછપરછ કરાયા બાદ બન્ને યુવક
ભાવેશ મેઘળાભાઈ ધ્રાંગી (ઉવ.૧૮) (રહે.બોસા,
તા.આબુરોડ, જિ.સિરોહી, રાજસ્થાન) અને
વિપુલ પાબુભાઈ ડાભીને પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યાં હતા. દરમિયાનમાં પોલીસ કસ્ટડીમાં જ ભાવેશ મેઘળાભાઈ
ધ્રાંગીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેની જાણ થતાં જ
આદિવાસી સમાજના લોકોના ટોળાં પોલીસમથકે ધસી ગયા હતા અને ભારે હોબાળો મચાવી દીધો
હતો. વાતાવરણ તંગ બની જતાં કોઈ અઘટીત ઘટના ઘટે નહીં તેની તકેદારીના ભાગરૃપે
એ.એસ.પી.સુશીલ અગ્રવાલ, અંબાજી
પોલીસ ઈન્સ્પેક્ટર આચાર્ય,
હડાદ પીએસઆઈ કોટવાલ સહિતનો પોલીસ
સ્ટાફ હડાદ પોલીસ સ્ટેશને ધસી ગયો હતો અને હડાદ ગામમાં પણ લોખંડી પોલીસ બંદોબસ્ત
ગોઠવી દીધો હતો. ગામ ખાખીમય બની જવા પામ્યું હતુ. આ તકે મૃતદેહને સ્વીકારવાનો ધરાર
ઈનકાર મૃતકના સબંધીઓ અને આદિવાસી સમાજના લોકોએ કર્યો હતો.
હડાદ પોલીસમથકમાં આદિવાસી યુવાનના કસ્ટોડીયલ ડેથના લીધે
ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. દરમિયાનમાં ઉચ્ચ પોલીસ
અધિકારીઓએ આદિવાસી સમાજના આગેવાનો સાથે મામલો થાળે પાડવા મંત્રણાઓ આદરી શાંતિ
જાળવવા અપીલ કરી હતી. જો કે,
આદિવાસી સમાજના લોકોએ યુવકના મોત અંગે ન્યાયી તપાસ કરી જવાબદારો સામે કડક
કાર્યવાહી કરવાની માગણી કરી હતી. જેના પગલે મંત્રણાઓ નિષ્ફળ નીવડી હતી. આ અંગે
પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા
મળ્યું હતુ.
યુવાને જરસી,
સ્વેટરનું દોરડું બનાવી ગળેફાંસો ખાધો
હડાદ પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવેલાં બે યુવક પૈકીના
લબરમૂછિયા ભાવેશ મેઘળાભાઈ ધ્રાંગી (ઉવ.૧૮)એ તેણે પહેરેલાં જરસી, સ્વેટર કે
શર્ટનું દોરડું બનાવી છતના હૂકમાં ભરાવી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું
જણાયું હતુ.
પોલીસની કામગીરી સામે લોકોમાં અનેક સવાલ
હડાદ પોલીસ સ્ટેશનમાં યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી
લેવાની ઘટનાના મામલે આદિવાસી સમાજના લોકોમાં
પોલીસ સામે શંકા-કુશંકા જાગી હતી. પોલીસ તપાસના અંતે સત્ય શું છે ? તે બહાર આવશે
તેવું અનુમાન થઈ રહ્યું છે.પોલીસ સ્ટેશનમાં ૨૪ કલાક માટે પોલીસ ફરજ બજાવે છે. તો
પણ રાત્રીના સમયે યુવાને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની પોલીસને જાણ શુધ્ધા
પણ ન થઇ જેના કારણે કામગીરીમાં બેદરકારી દાખવતી પોલીસ સામે લોકોમાં અનેક સવાલો ઉભા
થયા છે.
એએસપી સહિત અમીરગઢ,
પાલનપુર, દાંતા, અંબાજી પોલીસ
કાફલો ખડકાયો
કસ્ટોડીયલ ડેથના મામલે વાતાવરણ તંગ બની જતાં એ.એસ.પી., ઈન્સ્પેક્ટર, પીએસઆઈ સહિત
અંબાજી, પાલનપુર, અમીરગઢ, દાંતા પોલીસ
કાફલો મારતી ગાડીએ હડાદ ગામે દોડી ગયો હતો અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
પોલીસ દ્વારા લોકોને સમજાવટની સાથે પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
દાંતા ધારાસભ્ય શું કહે છે ?
સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ કહ્યું કે, બનાવ ખૂબ જ દુખદ છે.
મરનાર યુવકને ન્યાય મળવો જોઈએ અને ઘટનાના જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ.
એએસપી. શું કહે છે ?
કસ્ટોડીયલ ડેથના બનાવના પગલે દોડી આવેલાં એએસપી.સુશીલ
અગ્રવાલે જણાવ્યું હતુ કે,
કલમ-૧૭૬ હેઠળ સી.આર.પી.સી. તળે કાર્યવાહી થશે અને જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ પણ
ઘટનાની તપાસ કરશે. પી.એમ.રિપોર્ટ આવ્યાં બાદ જ ઘટના અંગે નિર્ણય થઈ શકશે. સીસીટીવી
ફૂટેજની પણ તપાસ કરવામાં આવશે.
[ad_2]
Source link








