[ad_1]

– શેરનો સટ્ટો રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા, ૧૬ નંગ મોબાઇલ ફોન, ૩ કોમ્પ્યુટરસેટ-ટીવી સહિતની સામગ્રી કબજે કરાઈ
– શેરનો સટ્ટો રમીને કપાત કરનારા મુંબઈ-પુના-રાજકોટ અને જામનગરના અન્ય છ શખ્સોને ફરાર જાહેર કરાયા
જામનગર, તા. 04 ફેબ્રુઆરી
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનની અંદર શેર ટ્રેડિંગનો ડબ્બો ચલાવાઈ રહ્યો છે, અને કેટલાક શખ્સો ગેરકાયદે રીતે શેરના સોદાની તપાસ કરી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી શેરના ડબ્બામાંથી ત્રણ શખ્સોને પકડી પાડયા છે, અને તેઓ પાસેથી 16 નંગ મોબાઈલ ફોન, 3 કોમ્પ્યુટર સેટ, ટી.વી., સેટટોપ બોક્સ સહિતની સામગ્રી કબજે કરી લીધી છે, જ્યારે તેઓ સાથે શેરના સોદાની કપાત કરનારા મુંબઈ- પુના- રાજકોટ અને જામનગરના અન્ય 6 શખ્સોને ફરારી જાહેર કરાયા છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક રહેણાંક મકાનની અંદર નરેન્દ્ર વૃજલાલ સુમરિયા ઉપરાંત બ્રિજેશ કિશોરભાઈ પેથડ અને નીતિન શાંતિલાલ નાગડા વગેરે ગેરકાયદે રીતે શેરબજારનો ડબ્બો ચલાવી રહ્યા છે, અને જુદા જુદા ગ્રાહકો પાસેથી શેરના સોદા કરી રહ્યા છે, જે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ ગઈકાલે શેરી નંબર 55માં આવેલા નિર્ધારિત રહેણાક મકાન પર દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ત્રણેય શખ્સો મોબાઇલ ફોન, અને કોમ્પ્યુટર, સેટ ટોપ બોક્સ, ટીવી, વગેરેના માધ્યમથી જુદા જુદા ગ્રાહકો સાથે શેરના સોદા કરી રહેલા રંગેહાથ પકડાઇ ગયા હતા.
જેથી એલસીબીની ટીમે ત્રણેયની અટકાયત કરી લઇ તેઓ પાસેથી 16 નંગ મોબાઈલ ફોન, 3 કોમ્પ્યુટર સેટ, એક ટીવી, અને એક સેટ ટોપ બોક્સ ઉપરાંત રૂપિયા 33,200ની રોકડ રકમ વગેરે સહિત 1,15,370ની માલમતા કબજે કરી લીધી છે.
આ ઉપરાંત વધુ પૂછપરછમાં તેઓ સાથે નાગપુરના અભિષેકભાઈ, રાજકોટના બીપીનભાઈ, જામનગરના ભાવેશભાઈ, તેમજ સુધીરભાઈ, મુંબઈના માટુંગાના જીનલ મહાજન, તેમજ રાજકોટના કાનાભાઈ લોહાણા વગેરે સાથે સોદાની કપાત કરતા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તમામ છ શખ્સોને ફરાર જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે, અને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં શેર ટ્રેડિંગના સટ્ટા અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે. આ દરોડાને લઈને ગેરકાયદે શેરનો સટ્ટો રમાડી રહેલા શખ્સોમાં ફફડાટ મચી ગયો છે.

[ad_2]
Source link






