[ad_1]

વડોદરા, તા. 17
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલી હત્યાનો આરોપી જાપ્તાની પોલીસને ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસે આરોપી ને ઝડપી પાડવા દોડધામ કરી મૂકી છે. આ બનાવે હોસ્પિટલ તેમજ પોલીસ તંત્રમાં ચકચાર જગાવી મૂકી છે.
અંકલેશ્વરના નવાડીયા ટેકરી ફળિયામાં રહેતો અનિલ ઉર્ફ માઇકલ અરવિંદ વસાવા (સલાટ ) ની અંકલેશ્વર પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી. દરમિયાન આરોપીની તબિયત લથડતા અત્રેની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે જાપ્તા સાથે દાખલ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે મોકો મળતા જાપ્તાની પોલીસને ચકમો આપી હત્યાનો આરોપી અનિલ ઉર્ફ માઇકલ ફરાર થઇ ગયો હતો. સારવાર દરમિયાન આરોપી અનિલ ઉર્ફ માઇકલ ફરાર થઇ ગયાની જાણ જાપ્તાની પોલીસને થતાં તેમણે રાવપુરા પોલીસ મથકમાં જાણ કરી હતી. રાવપુરા પોલીસે આ અંગેની જાણ અંકલેશ્વર પોલીસને કરી હતી. પોલીસે હોસ્પિટલ સ્થિત સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે.
આ અંગે ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, આરોપી વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા કામના આરોપી તરીકે સજા ભોગવતો હતો . 12 મી જાન્યુઆરીના રોજ આરોપીને બીમારી માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાના સુમારે ચાર પોલીસ કર્મી સાથેના જાપ્તાને ચકમો આપી આરોપી ફરાર થઇ ગયો છે. આ મામલે પોલીસ કર્મીની નિષ્કાળજી જણાશે તો તેઓની સામે કાર્યવાહીની સાથે ફરિયાદ પણ દાખલ થશે. હાલ આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
[ad_2]
Source link






