[ad_1]

– પંદર દિવસથી પીછો કરી કનડગત કરતો હતો, બે દિવસ અગાઉ હાથ પકડી જબરજસ્તી બાઇક પર બેસાડવાનો પ્રયાસ કર્યો, કિશોરીએ બુમાબુમ કરતા બે તમાચા માર્યા, પરિવારને જાણ થતા જાતે જ વોચ ગોઠવી મેથીપાક આપ્યો
સુરત
સચિન-પાલી ગામ વિસ્તારમાં ધો. 6માં અભ્યાસ કરતી 12 વર્ષીય કિશોરીનો પીછો કરી કનડગત કરવા ઉપરાંત જબરજસ્તી હાથ પકડી બાઇક પર બેસાડવાનો પ્રયાસ કરનાર ટપોરીને કિશોરીની પરિજનોએ વોચ ગોઠવી ઝડપી પાડી સચિન જીઆઇડીસી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ટપોરી વિરૂધ્ધ ગુનો નોંધી અટકાયત કરી છે.
સચિન નજીકના પાલી ગામમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ધો. 6 માં અભ્યાસ કરતી 12 વર્ષીય અરૂણા (નામ બદલ્યું છે) નો છેલ્લા પંદર દિવસથી અમીત ઉર્ફે અમીત ટકલો (રહે. ધર્મ ભક્તિ એપાર્ટમેન્ટ, પાલીગામ, સચિન) પીછો કરતો હતો. અરૂણા સ્કૂલે અને ટ્યુશન જવા નીકળે અને પરત આવે ત્યારે સતત પીછો કરી કનડગત કરતો હતો. અરૂણા ઘર કામ માટે ઘરની બહાર નીકળે ત્યારે પણ તેની પાછળ જઇ વાતચીત કરવાનો પ્રયાસ કરતો હતો. દરમિયાનમાં બે દિવસ અગાઉ અરૂણા સ્કૂલેથી પરત જઇ રહી હતી ત્યારે અમીતે તેનો હાથ પકડી જબરજસ્તી બાઇક પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી અરૂણાએ બુમાબુમ કરતા અમીતે તેને બે તમાચા મારી દીધા હતા. જો કે લોકોનું ટોળું એક્ઠું થઇ જતા અમીત ત્યાંથી ભાગી ગયો હતો. પંદર દિવસથી પીછો કરી કનડગત કરનાર અમીતે હાથ પકડી લઇ જબરજસ્તી કરતા અરૂણાએ પરિવારને આ બાબતથી વાકેફ કર્યા હતા.

પરિવારે બીજા દિવસે જાતે જ વોચ ગોઠવી હતી અને અરૂણા સ્કૂલેથી પરત આવતી હતી ત્યારે પીછો કરનાર અમીતને રંગેહાથ ઝડપી પાડી મેથીપાક આપી સચિન જીઆઇડીસી પોલીસને હવાલે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અમીત વિરૂધ્ધ સચિન પોલીસમાં દારૂ અને સચિન જીઆઇડીસી પોલીસમાં મોબાઇલ ચોરીના ગુનામાં જેલવાસ ભોગવી ચુકયો છે અને સ્થાનિક વિસ્તારમાં ટપોરીગીરી કરે છે.
[ad_2]
Source link






