આહવા : તા : ૨૭: ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ ગુજરાત રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આજરોજ આહવા તાલુકાના ધવલીદોડ ગામે સ્થાનિક ગ્રામજનો સાથે ‘ખાટલા બેઠક’ યોજી ગામના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. સાથે જ મંત્રીશ્રી ગામના ભજન મંડળ સાથે ભજન કાર્યક્રમમા સહભાગી બન્યા હતાં.

આ પ્રસંગે ગ્રામજનોને સંબોધન કરતાં રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, આદિજાતિ વિકાસમાં ગુજરાત અગ્રેસર છે, તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધુરા સંભાળ્યા બાદ આદિજાતિ વિસ્તાર અને સમુદાયના સર્વાંગીણ વિકાસ માટે કરેલા કાર્યો ને પરિણામે આદિવાસીઓમાં આવેલા સામાજિક શૈક્ષણિક અને આર્થિક પરિવર્તન વિશે વિસ્તૃત વિગતો આપી હતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૦૭ માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દસ મુદ્દા આધારિત આ યોજના અંતર્ગત રોડ કનેક્ટિવિટી, ઘર આંગણે શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ યોજના ગુજરાતના આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વન બધું કલ્યાણ યોજના -૨ અંતર્ગત ચાલુ વર્ષે ૩૫ હજાર કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જે આદિજાતિ લોકોના શિક્ષણ, આરોગ્ય, ખેતી, પાણી વિગેરે માટે કલ્યાણકારી સાબિત થશે.
વલસાડ ડાંગના સાંસદ સભ્ય શ્રી ધવલ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારી કલ્યાણકારી યોજનાઓનો ખ્યાલ આપી તમામ લોકોને આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખવા અપીલ કરી હતી. તેમજ દેશના વડાપ્રધાનશ્રીએ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતી નિમિત્તે જન જાતિય ગૌરવ દિવસની ઉજવણી કરી આદિવાસીઓને ગૌરવ અપાવ્યું છે તેમ જણાવ્યું હતું.
શ્રી વિજયભાઈ પટેલે પણ સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યોની વિગતે ચર્ચા કરી માહિતી આપી હતી.
મંત્રીશ્રી ખાટલા બેઠક બાદ ભજન મંડળમા સહભાગી બન્યા હતાં. તેમજ તેઓએ સ્થાનિક આદિવાસી પરિવારના ઘરે ભોજન લીધું હતું.





