
રેતી કાઢતી ટ્રકો ઝડપાઈ પણ જે જેસીબી થી ટ્રકોમાં રેતી ભરતા હતા એ કેમ હાથ ના લાગ્યા?
કેટલાક જાણીતા અગ્રણીઓ પણ રેતી ચોરીના ધન્ધા માં સંડોવાયેલા હોવાની ચર્ચા ઉઠી. ટ્રકો છોડાવવા માટે ભારે ધમપછાડા
ધરમપુર તાલુકાની આસપાસથી વહેતી વિવિધ નદીઓમાં છેલ્લા ઘણા સમયથી દિવસ-રાત બેફામ રીતે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. રેતી માફિયાઓ દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વિના જેસીબી મશીનો અને ડમ્પરો જેવા ભારે વાહનોની મદદથી નદીપટમાંથી આડેધડ રેતી કાઢવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જોકે ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ગતરોજ ધરમપુર નજીક આવેલા સીદમ્બર ગામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં માત્ર ચાર ટ્રકો જ ઝડપી પાડવામાં આવતા સ્થાનિકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ સીદમ્બર ગામ નજીકથી પસાર થતી નદીમાં ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ખાણ-ખનીજ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સ્થળ પરથી રેતી ભરેલી ચાર ટ્રકો જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ કાર્યવાહી બાદ સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ શરૂ થઈ છે કે માત્ર ચાર વાહનો પકડી વિભાગે મોટી સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે, જ્યારે વાસ્તવમાં વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે ખનન કરનારા તત્વો હજુ પણ કાયદાની પકડથી દૂર છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન સ્થળ ઉપર બે જેસીબી મશીનો પણ કાર્યરત હોવાની ચર્ચા છે. જો કે આ મશીનો અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જેના કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જો સ્થળ પર જેસીબી મશીનો હાજર હતા તો તેમને જપ્ત કેમ કરવામાં આવ્યા નહીં? અથવા પછી સ્થળ પર જેસીબી હતા જ નહીં? આ મુદ્દે હાલ વિવિધ અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે.
વિસ્તારમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક મહિનાઓથી રાત્રિના સમયે નદીપટમાં મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે અને અનેક સ્થળોએ રેતી માફિયાઓ બેફામ બન્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ખાણ-ખનીજ વિભાગની આ કાર્યવાહી માત્ર “નાની માછલીઓ” સુધી મર્યાદિત રહી હોવાનું કહી લોકો મોટા રેતી માફિયાઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
હાલમાં જપ્ત કરાયેલી ચારેય ટ્રકોને રોસની કચેરી ખાતે મુકવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગ તરફથી વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે અને ગેરકાયદે રેતી ખનનના મૂળ સુધી પહોંચીને જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાંથી ઉઠી રહી છે.



