
વાપી શહેરના ગીતા નગર વિસ્તારમાં રેલવે સ્ટેશન ટિકિટ બારી સામે આવેલી બિલ્ડિંગ નજીક પીવાના પાણીની પાઈપલાઈન તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. પાઈપલાઈનમાંથી ભારે પ્રમાણમાં પાણી વહેતા મુખ્ય રસ્તા પર પાણી પાણી થઈ ગયું હતું, જેના કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પાઈપલાઈન તૂટવાના કારણે પાણી નજીક આવેલા રેલવેના જૂના અંડરબ્રિજમાં પણ ભરાઈ ગયું હતું. અંદાજે એક ફૂટથી વધુ પાણી ભરાતા અંડરબ્રિજમાંથી પસાર થનારા વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તામાંથી પસાર થવામાં જોખમ ઉભું થયું હતું.
વાપી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા નવા આર.સી.સી. રોડ પર પાણી વહેતા માર્ગ પલળી ગયો હતો. જેના કારણે અનેક બાઈક અને મોપેડ ચાલકો સ્લિપ થવાના બનાવો બન્યા હતા. સદનસીબે મોટા અકસ્માતો ટળ્યા હતા, પરંતુ કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની માહિતી મળી રહી છે.

આ ઘટનાને લઈ સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. લોકો દ્વારા તાત્કાલિક પાઈપલાઈનની મરામત કરી પાણીના વહેવટને નિયંત્રિત કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ અંડરબ્રિજમાં ભરાયેલા પાણીની ઝડપથી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી આવનજાવન ફરીથી સામાન્ય થઈ શકે.
આ ઘટના બાદ વાપી મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. નવા બનાવેલા રોડ પર જ આવી પરિસ્થિતિ સર્જાતા નાગરિકો દ્વારા ગુણવત્તા અને જાળવણી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ સમસ્યાનો કેટલા ઝડપથી ઉકેલ લાવે છે.





