
ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં આજે વિકાસનો ઐતિહાસિક દિવસ નોંધાયો હતો, જ્યાં વલસાડ તાલુકાના કુલ 42 ગામોમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા.

આ તમામ કાર્યક્રમો ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના વરદ હસ્તે યોજાયા હતા. દિવસભર વિવિધ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં માર્ગ નિર્માણ અને સુધારણા, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સુવિધાઓ તેમજ અન્ય આધારભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો સમાવેશ થયો હતો.
વાંકલ, અંજલાવ, દુલસાડ, પીઠા, ખજૂરડી, ગાડરિયા અને મુળી સહિતના વિસ્તારોમાં યોજાયેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યોના અમલીકરણથી ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન સુવિધા વધુ મજબૂત બનશે તેમજ આરોગ્ય, શિક્ષણ અને દૈનિક જીવન સાથે જોડાયેલી સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો, તાલુકા પંચાયતના પૂર્વ પ્રતિનિધિઓ, ગામના સરપંચશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ વિકાસ યાત્રા દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધારવા અને લોકોના જીવનસ્તરમાં સુધારો લાવવા માટેનો મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.




