બોર્ડર વિલેજના ગામોમાં તેમજ ધરમપુર તાલુકામાં આવાસ યોજના ના મળવાપાત્ર હપ્તા મળ્યા નથી તેમજ વાપી શામળાજી હાઇવે ઉપર આંબા તલાટ થી પાર નદી સુધી પડેલા ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરવામાં આવે તે માટે ઉગ્ર રજૂઆત કરાઈ

વલસાડ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં તેમજ દરેક વિધાનસભાના ધારાસભ્ય તેમ જ વિવિધ સરકારી વિભાગના અધિકારીઓની હાજરીમાં આજે જિલ્લા સંકલન સમિતિની એક બેઠક યોજાઈ હતી જેમાં અનેક પ્રશ્નો અંગે અધિકારીઓ ઉપર પ્રજાના પ્રતિનિધિઓએ પ્રશ્નો વર્ષાવ્યા હતા. ધરમપુર તાલુકામાં બોર્ડર વિલેજના ગામોમાં આદિમ જૂથ તેમજ હળપતિ વિકાસ યોજનાના આવાસોમાં મળવા પાત્ર હપ્તા હજુ સુધી મળ્યા ન હોવાની ફરિયાદ સાંભળવા મળી રહી છે તેમને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સંકલન સમિતિમાં ધારદાર રજૂઆત કરી હતી

જેને પગલે પ્રાયોજના વહીવટદાર દ્વારા જણાવવામાં આવ્યું કે બોર્ડર વિલેજના 10 માંથી છ જેટલા લાભાર્થીઓ તેમજ આદિમ જૂથના 48 પૈકી 16 જેટલા લાભાર્થીઓને મળવાપાત્ર બાકી હપ્તાની રકમ આગામી 10 દિવસમાં પૂરી પાડવામાં આવશે તેવી ખાતરી આપી હતી એટલું જ નહીં ચોમાસા દરમિયાન વાપી શામળાજી હાઇવે ઉપર પડી ગયેલા મસ્ત મોટા ખાડાઓ ને પગલે લોકોને પડતી હાલાકી ને જોતા વારંવાર થઈ રહેલા અકસ્માતો ને ધ્યાને લઈ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સંકલન સમિતિમાં ચોમાસા દરમિયાન લોકોને પડતી હલાકી દૂર થાય તે માટે ઉગ્ર રજૂઆત કરી હાઇવે ઉપર પડેલા ખાડા સત્વરે પુરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી