
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ડુંગર-જંગલ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓના જીવનમાં એક યાદગાર અને પ્રેરણાદાયી ક્ષણ સર્જાઈ છે. વિશ્વ હિન્દૂ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત પૂજ્ય મોટા હાઈસ્કૂલ (માની) દ્વારા ધોરણ ૧૦ અને ૧૨માં ૮૦ ટકા કરતાં વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહનરૂપે સુરતથી જામનગર સુધી વિમાન (હવાઈ) મુસાફરી કરાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ જીવનમાં પ્રથમ વખત હવાઈ મુસાફરીનો અનોખો અનુભવ મેળવ્યો હતો. જામનગર પહોંચ્યા બાદ તેઓએ જગત મંદિર દ્વારકાધીશના દર્શન કરી ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ રેલવે મુસાફરી દ્વારા વલસાડ પરત ફરી પ્રવાસ પૂર્ણ કર્યો હતો.
આ સમગ્ર પ્રવાસ વિદ્યાર્થીઓ માટે માત્ર મનોરંજન પૂરતો નહીં પરંતુ જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપતો અને નવા સપનાઓ જોવાની દિશા દર્શાવતો અમૂલ્ય અનુભવ બની રહ્યો હતો. ડુંગર-જંગલના ગામડાંમાં રહેતા વિદ્યાર્થીઓ માટે વિમાનમાં મુસાફરી કરવાનો અવસર અત્યંત યાદગાર સાબિત થયો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનસેવા સંસ્થાન શિક્ષણના ક્ષેત્રે છેવાડાના વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. સંસ્થાની ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના પરિણામે ચાલુ વર્ષે ધોરણ ૧૨નું પરિણામ ૧૦૦ ટકા જ્યારે ધોરણ ૧૦નું પરિણામ ૯૮.૪૦ ટકા નોંધાયું છે, જે સંસ્થાની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વિદ્યાર્થીઓની મહેનતનું ઉત્તમ પ્રતિબિંબ છે.
સંસ્થા દ્વારા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, રાષ્ટ્રીય ભાવના અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા જાગૃત થાય તેવા વિવિધ કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવે છે. આ અનોખો પ્રવાસ પણ તે જ દિશામાં એક પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ છે.




