રવિવારે સાંજ સુધી સર્વેની કામગીરી પુર્ણ કરી, તરત જ સહાયની ચુકવણી કરવામાં આવશે

જિલ્લામાં કુલ ૧૦ જેટલા માનવ મૃત્યુ નોંધાયા,પુરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃ વીજ પુરવઠો સ્થાપન માટે ૧૮૧ ટીમોના ૬૧૫ કર્મીઓ દ્વારા યુદ્વના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમા ૧૦૨ પૈકી ૧૦૧ ફીડર, ૨૧૪ ગામો, ૫૨૮૨ ટ્રાન્સમીટર સેન્ટર અને ૨૨૪,૩૧૮ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યો
વલસાડ જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદના કારણે પુરની સ્થિતિ ઉદભવી હતી. વરસાદ ઓછો થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. વહીવટી તંત્ર દ્વારા એકશન મોડમાં આવીને, પુરગ્રસ્તોને તાકીદે સહાય મળે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર શ્રી નીતિન સાંગવાન દ્વારા જણાવાયું છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પુર દરમિયાન નુકસાની સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેકટરે જણાવ્યું હતું કે, વરસાદ દરમિયાન જિલ્લામાં કુલ ૧૦ જેટલા માનવ મૃત્યુ નોંધાયા છે. અને રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મીની કુલ ૧૦ ટુકડીઓ કાર્યરત હતી. જયારે કુલ ૨૦૮૪૩ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જયારે ૪૨૫ થી વધુ માર્ગો ભારે વરસાદના કારણે બંધ હતા, જે પૈકી ૩૧૫ થી વધુ રસ્તાઓ વાહનવ્યહાર માટે પુર્વરત કરવામાં આવ્યા છે. સાથે જિલ્લામાં થયેલા નુકસાન માટે ૧૫૦ જેટલી ટીમો દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. જે તા.૨૬ જુલાઇ-૨૦૨૬ સાંજ સુધીમાં પુર્ણ કરવામાં આવશે. ત્યારબાદ તરત જ સહાય ચુકવવામાં આવશે.
જિલ્લામાં પુરની પરિસ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી છે. જિલ્લામાં જરૂરિયાતમંદોને ૧૧ હજારથી વધુ ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા પણ માનવીય ધોરણે ૨૨૦૦ જેટલા ફુડપેકેટ વિતરણ કરવામાં આવ્યા છે. જયારે પોલીસ વિભાગે એક હજાર થી વધુ લોકોના રેસ્કયુ કરવામાં આવ્યા છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોમાં પુનઃ વીજ પુરવઠો સ્થાપન માટે ૧૮૧ ટીમોના ૬૧૫ કર્મીઓ દ્વારા યુદ્વના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમા ૧૦૨ પૈકી ૧૦૧ ફીડર, ૨૧૪ ગામો, ૫૨૮૨ ટ્રાન્સમીટર સેન્ટર અને ૨૨૪,૩૧૮ વીજ ગ્રાહકોનો વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.
અસરગ્રસ્તોને સહાય આપવા અંગે તેમણે જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોને મહત્તમ સહાય તેમના બેંક ખાતામાં સીધા જ જમા કરવામાં આવશે. જેમની પાસે ડોકયુમેન્ટ નથી અથવા પુર દરમિયાન નુકસાન થયું હોય તેઓને તપાસ કરીને માનવતાના ધોરણે સહાય ચુકવવામાં આવશે.
જિલ્લામાં પરિસ્થિતિ સામાન્ય થઇ રહી છે, તમામ વિસ્તારોમાં સાફ- સફાઇ કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત લોકોને સમયસર સહાય મળી રહે તે માટે વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ૨૪ કલાક કામગીરી કરી રહયા છે. સર્વે માટે જયાં જરૂરત જણાય ત્યાં વધુ ટીમો ડીપ્લોય કરી, કામગીરી રવિવારે સાંજ સુધીમાં પુર્ણ કરાશે.
છીપવાડમાં થયેલા અનાજના નુકસાનના નિકાલ સંદર્ભે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા સત્વરે સર્વે કરવામાં આવે તે માટેની સુચનાઓ આપવામાં આવી છે. ત્યારબાદ તરત જ નિકાલ કરવામાં આવશે.



