[ad_1]

– યાત્રાધામમાં ચારેયબાજુથી પદયાત્રીઓ અને સંઘોનું આગમન થવા લાગ્યું : ડાકોરના તમામ માર્ગો પર યાત્રિકોનું કિડીયારૂ ઊભરાયું : જય રણછોડ…માખણચોરના ગગન ભેદી નાદ ગાજી ઉઠયાં
અન્ય પૂનમ તેમજ ઉત્સવોની જેમ ફાગણી પૂનમ ઉપર પણ ડાકોરમાં ભગવાન રણછોડજીના દર્શનનો ખૂબ મહિમા છે. પોતાની અનન્ય ભક્તિથી ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરી છેક દ્બારકાથી ડાકોરમાં લાવનાર ભક્ત બોડાણાએ વર્ષો સુધી ડાકોરથી દ્ધારકાની પગપાળા યાત્રા કરી હતી. કંઈક આ ભાવનાથી લાખો પદયાત્રીઓ અમદાવાદ સહિત અન્ય સ્થળોએથી પગપાળા ડાકોરની યાત્રા કરી ભગવાનના દર્શન કરવા આતુર હોય છે. દર પૂનમ અને ખાસ કરીને ફાગણી પૂનમ પર યાત્રાળુઓનો વધુ ધસારો રહેતો હોવાથી રણછોડજીના મંદિરમાં શ્રીજીના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. જશોદા નગર ચોકડીથી ખાત્રજ ચોકડી થઈ ડાકોરના માર્ગો પદયાત્રીઓના સંઘોથી ઊભરાવા લાગ્યા છે.
અમદાવાદના સરસપુર, મણિનગર, નરોડા, વાડજ તથા અન્ય વિસ્તારોમાંથી આવતા અંદાજે રપ૦ ઉપરાંત સંઘો એવા છે કે જે રપ વર્ષ કરતા પણ વધુ વર્ષોથી ફાગણી પૂનમ પર ડાકોરમાં રાજા રણછોડજીના દર્શન માટે આવે છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓના સંઘોએ ડાકોરની વાટ પકડી લીધી છે. વડોદરા, પંચમહાલ તથા અન્ય સ્થળોએથી પણ અનેક પદયાત્રીઓના સંઘો ધજાઓ સાથે ભજનોની રમઝટ મચાવતા ડાકોર આવવા લાગ્યા છે. જેને લઈ ડાકોર અને તેને જોડતા ચારે તરફના માર્ગો જય રણછોડ માખણચોરના ભક્તિનાદથી ગૂંજવા લાગ્યા છે. પદાયાત્રીઓની સવલત માટે ઠેર ઠેર ઊભા કરાયેલા ભંડારામાં ખાવા પીવાની સુવિધા સાથે યાત્રાળુઓની સેવા સુશ્રુષા કરવામાં આવી રહી છે.
મોટી સંખ્યામાં આવનાર મહેરામણને ધ્યાનમાં રાખી ડાકોરના માર્ગો પરથી દર્શનાર્થીઓને મંદિર સુધી જવા માટે તંત્ર દ્ધારા ૪૪ જેટલા આડબંધો ઊભા કરવા સાથે વ્યવસ્થા પર નજર રાખવા માટે અનેક સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ડાકોરમાં પોલીસનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેેને લઈ ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. જ્યારે કોરોનાને કારણે આરોગ્ય વિભાગ દ્ધારા પણ તકેદારીના પગલારૂપે માસ્કનું વિતરણ કરવામાં આવતું જણાવાયું છે.
આજથી ડાકોર માટે પૂનમ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
નડિયાદ : હોળી અને પૂનમના તહેવારો નિમિત્તે ડાકોરના રણછોડરાયના મંદિરના મેળાને ધ્યાનમાં રાખી શ્રધ્ધાળુઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા વડોદરાથી ડાકોરની સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા ૧૭ માર્ચ અને ૧૮ માર્ચના રોજ વડોદરા-ડાકોર વચ્ચે સ્પેશિયલ ટ્રેન વાયા આણંદ થઈને દોડાવવામાં આવી રહી છે. આ સ્પેશિયલ ટ્રેન વડોદરા-ડાકોર સ્પેશિયલ વડોદરાથી સવારે ૧૦૩૫ કલાકે ઉપડીને ૧૧-૦૭ કલાકે આણંદ , ૧૧-૩૯ કલાકે ઉમરેઠ અને બપોરે૧૨-૦૫ કલાકે ડાકોર પહોંચશે. આ ટ્રેન ડાકોર – વડોદરા સ્પેશિયલ ટ્રેન ડાકોરથી ૧૫-૪૦ કલાકે ઉપડીને ૧૫-૪૭ કલાકે ઉમરેઠ , ૧૬-૧૧ કલાકે આણંદ અને ૧૭-૦૫ કલાકે વડોદરા પહોંચશે, આ ટ્રેનનું યાત્રી ભાડું મેલ એક્સપ્રેસ મુજબ રહેશે.
200 પ્રસાદીના સહિત 400 સ્ટોલ ઉભા કરાયા
ફાગણી પૂનમ નિમિત્તે ધંધાર્થીઓ સજ્જ બન્યા છે. નગરના માર્ગો પર ઠેર ઠેર અંદાજે ૪૦૦ જેટલા સ્ટોલ ઊભા થયા છે. જેમાં પ્રસાદના સ્ટોલની સંખ્યા આશરે ૨૦૦થી પણ વધુ છે. આ સિવાય ખાણી પીણી, અબીલ ગુલાલ, ચાની કીટલી, રમકડાં તથા કપડાં સહિત અન્ય વસ્તુઓના સ્ટોલ ઊભા થયા છે. ડાકોરમાં આજે પૂનમના આગલા દિવસે હજ્જારોનું માનવમહેરામણ ઉમટતા ડાકોરમાં લોકમેળાનો માહોલ જામ્યો છે.જેને કારણે વેપારીઓમાં પણ આનંદ છવાયો છે.
મહુધાથી ડાકોર સુધી 17 ભંડારા ધમધમ્યા
ડાકોરમાં એકલિંગજી અન્નક્ષેત્ર શરુ કરવામાં આવ્યું છે. ડાકોર આવતા પદયાત્રીકો માટે વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. જો કે મહુધાથી ડાકોર સુધીમાં ૧૫ થી ૧૭ જેટલા ભંડારા શરુ કરી દેવામાં આવ્યા છે. જયાં પદયાત્રિકોને વિનામૂલ્યે ભોજન અને અન્ય સુવિધા અપાઇ રહી છે.
રાસ્કા બોર્ડર પર માનવ મહેરામણ
મહુધા ચોકડીથી ડાકોર તરફ પદયાત્રીઓનું આગમન થઇ ચૂક્યું છે. ખેડા જિલ્લા અને અમદાવાદ જિલ્લાને જોડતી રાસ્કા બોર્ડર પર આજે પદયાત્રીઓનું મહેરામણ ઉમટયું છે. મહુધાથી ડાકોર સુધીનો માર્ગ જય રણછોડ માખણચોરના નાદથી ગૂંજી ઉઠયો હતો.
42 ડિગ્રી આકરી ગરમીમાં પણ શ્રદ્ધામાં કોઇ ઓટ નહીં
ડાકોરની ફાગણી પૂનમને શ્રીજીના દર્શને ગુજરાતભરમાંથી નીકળેલા પદયાત્રીઓથી ડાકોરને જોડતા માર્ગો ઉભરાયા છે. આજે ડાકોરમાં દિવસ દરમ્યાન એક લાખથી પણ વધુ ભક્તોનું આગમન થઇ ચૂક્યું છે. ડાકોરમાં આસ્થાનો મહાસાગર છલકાયો છે. મહુધાથી ડાકોર મંદિર સુધીના માર્ગો પર થોડા થોડા અંતરે હાથમાં ધજા લઇને ભક્તોના ટોળા ઝૂમતા ઝૂમતા ડાકોરના ઠાકોરને મળવા અધિરા બન્યા છે. ઠેર ઠેર સેવાકેન્દ્રો શરુ થઇગયા છે. પૂરી,શાક, દાળ, ભાત, અને અન્ય વાનગીઓની નિઃશુલ્ક સેવાઓ વૈષ્ણવભાઇઓ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. ઉનાળાની ૪૨ ડિગ્રી ગરમીમાં પણ શ્રધ્ધાળુઓનો અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. કેટલાય સેવા કેન્દ્રોમાં છાસ, આઇસ્ક્રીમ, ઠંડાપીણા, તરબૂચ, દ્રાક્ષ અને ઠંડા પાણીનું નિઃશુલ્ક વિતરણ થઇ રહ્યું છે.
[ad_2]
Source link






