[ad_1]

વડોદરા, તા. 23 ફેબ્રુઆરી
વડોદરા શહેરમાં આજવા રોડ પર આવેલી જનકલ્યાણ સોસાયટીમાં દુકાનો શરૂ કરનાર ત્રણ વેપારીઓને ડાંગો સાથે ઘસી આવેલી ભરવાડ ટોળકીએ અપશબ્દો બોલી જગ્યા ખાલી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. બનાવ સંદર્ભે બાપોદ પોલીસે ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધી ટોળકી પૈકીના સાત શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના વારસિયા રીંગ રોડ ઉપર રહેતા રાજેશભાઈ પારવાણી કિશનવાડી ચાર રસ્તા ખાતે ફર્નિચરની દુકાન ધરાવે છે. નવઘણ ભરવાડ, ઝાલા ભરવાડ સહિત અન્ય ચાર ઈસમો ડાંગો લઇ ધસી આવ્યા હતા. અને જણાવ્યું હતું કે આ અમારી મિલકત છે તમારા મકાનનું રીનોવેશન બંધ કરો. જેથી રાજેશભાઈએ પુરાવાની માંગણી કરતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીજા બનાવમાં આજવા રોડ ઉપર રહેતા મહેશભાઈ પરમાર ઘર આંગણે હાર્ડવેરની દુકાન ધરાવે છે. તેમનો પુત્ર દુકાને હાજર હતો તે સમયે નવઘણ ભરવાડ, ઝાલા ભરવાડ, ગોવિંદ ભરવાડ સહિત અન્ય બે શખ્સો હાથમાં લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. અને અપશબ્દો બોલી તાત્કાલિક દુકાન ખાલી કરી બંધ કરવાની ચીમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં આરોપીઓએ ધમકાવ્યા હતા કે અમારી ઉપર ઘણા કેસ છે તમારો એક કેસ વધશે તો કોઈ ફરક નહીં પડે. તેવી જ રીતે આજવા રોડ પર રહેતા કલ્પેશભાઈ પંડ્યા જનકલ્યાણ સોસાયટી ખાતે પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. નવઘણ ભરવાડ, ઝાલા ભરવાડ અને ગોવિંદ ભરવાડ હાથમાં ડાંગ લઇ તેમની દુકાને ઘસી ગયા હતા. અને ધમકી આપી હતી કે, પાણીની નવી પાઇપ લાઇન નાખવાનું કામ બંધ કરાવી દે. તારા મકાનમાં અમે ગેરકાયદેસર પ્રવેશ કરી કબજો કરીશું.
[ad_2]
Source link






