[ad_1]

જામનગર, તા. 21 જાન્યુઆરી 2022 શુક્રવાર
જામનગર નજીક જાંબુડા ગામ પાસે ગઈકાલે સાંજે એક રીક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે જીગરજાન મિત્રો પૈકી એકનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે બીજો ગંભીર રૂપે ઘાયલ થયો છે. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત લાલપુર અને કાલાવડમાં પણ જુદા-જુદા બે વાહન અકસ્માતોમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂપે ઇજાગ્રસ્ત બની છે. જેઓ સારવાર હેઠળ છે.
જામનગર જિલ્લામાં પ્રથમ અકસ્માત જાંબુડા ગામ પાસે બન્યો હતો. જામનગર તાલુકાના સચાણા ગામ માં રહેતા સબીર સિદિકભાઈ વાઘેર (30 વર્ષ) અને તેનો મિત્ર મહેબૂબ કરીમભાઈ સોઢા (30 વર્ષ) કે જે બંને મિત્રો ગઈ કાલે સચાણા ગામેથી પોતાના મોટરસાયકલ પર બેસીને કામ કરવા માટે જઈ રહ્યા હતા, અને શબ્બીર મોટર સાયકલ ચલાવતો હતો.
જે દરમિયાન જાંબુડા ગામના પાટિયા પાસે પહોંચતાં ત્યાં પૂરપાટ વેગે આવી રહેલા જી.જે.10 ટી.ડબલ્યુ 5644 નંબરની રીક્ષાના ચાલકે બાઇકને ઠોકરે ચડાવી દેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈકચાલક સબીરનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા તેના જીગરજાન મિત્ર મહેબૂબ ને ગંભીર પ્રકારની ઈજા થઈ છે, અને તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતક સબીર ના મોટા ભાઈ રજાક સિદ્દીકભાઈ કકકલે પોલીસને જાણ કરતાં પંચકોશી એ ડીવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની રિક્ષા કબજે કરી લીધી છે.
આ ઉપરાંત અકસ્માતનો બીજો બનાવ કાલાવડ પંથકમાં બન્યો હતો. જ્યાં મૂળ બોટાદ નો વતની અને હાલ કાલાવડ માં રહેતો મેહુલસિંહ દિપસિંહ પરમાર નામનો 29 વર્ષનો યુવાન પોતાનું બાઇક લઇને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન અશોક જયંતીભાઈ ફળદુ નામના કાર ચાલકે બાઈકને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો, અને ફ્રેક્ચર સહિતની ઇજા થઈ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
અકસ્માતનો ત્રીજો બનાવ લાલપુર નજીક ગોવાણા ગામની ચોકડી પાસે બન્યો હતો. જ્યાં જી.જે.- 3 એ.એક્સ 6858 નંબર ના ટ્રકનું ટાયર ફાટી ગયું હોવાથી કોઈપણ પ્રકારના રિફલેક્ટર વગર ટ્રકને માર્ગ પર ઉભો રાખી દેવાયો હતો. જેથી રાત્રિના અંધારામાં પૂરપાટ વેગે આવી રહેલા પાલાભાઈ નામના ભાણવડ પંથકના બાઇકચાલક યુવાનનું મોટરસાયકલ બંધ ટ્રક પાછળ અથડાઈ જવાથી અકસ્માત સર્જાયો હતો, અને પાલા ભાઈને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ટ્રકચાલક સામે બેદરકારી દાખવવા અંગે ગુનો નોંધ્યો છે.
[ad_2]
Source link






