[ad_1]

સુરત, તા. 21 જાન્યુઆરી
હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે પંરતુ કોરોનાના કારણે આ વર્ષે પણ લગ્નોમાં વિઘ્ન નડી રહ્યું છે. સરકારી ગાઈડ લાઇન મુજબ લગ્નોમાં 150 જેટલા લોકોની જ પરમિશન આપી છે જેની સીધી અસર લગ્નોની સિઝનમાં ચાલતા બિઝનેસ પર પણ પડવા પામી છે. જેમાંથી એક બિઝનેસ લગ્નના સાફા અને પાઘડીનો પણ છે જેમાં 50 ટકા જેટલી અસર થઈ છે.
લગ્નમાં પાઘડી અને સાફા પહેરવાનો રિવાજ પહેલા ઘણા ઓછા સમાજમાં હતો. પરંપરાગત સાફા લગ્નોમાં પિતા, ભાઈઓ અને વરરાજા પહેરતા હતા પરંતુ હવે દરેક કોમ્યુનિટીમાં સાફા વપરાય છે. એક ફેશન બની ગઈ છે એટલે લોકો લગ્નોમાં સાફા મંગાવતા હોય છે. જેટલા માણસો તેટલા સાફા આવતા હોય છે અને તે ભાડેથી લાવતા હોય છે. જો કે કોરોનાના કારણે લગ્નોમાં વધુ માણસો પર પ્રતિબન્ધ આવી ગયો છે જેના કારણે સાફાના વ્યાપારમાં 50 ટકા જેટલું નુકશાન થવા પામ્યું છે. ઘણા ઓર્ડરો કેન્સલ પણ થઈ ગયા છે. આ અંગે સાફાના વ્યાપારી તારાચંદભાઈએ કહ્યું કે “અમે લગ્નોમાં સાફા ભાડે આપવાનું અને વેચાણનું કામ કરીએ છે. લગ્નો માં 200થી 300 સાફા જતા હોય છે. લોકો હવે પોતાના ઘરમાં સગા સંબંધીઓ અને મિત્રો માટે સાફા મંગાવે છે. સાફાનું ભાડું 120થી લઈને 250 હોય છે. જ્યારે ડિઝાઈનર સાફા 300થી 600 સુધીમાં મળે છે. વરરાજાના સાફા અને પાઘડીની કિંમત 1100થી લઈને પાંચ હજાર સુધી હોય છે કારણ કે તેમાં ડેકોરેશન પણ કરવામાં આવતું હોય છે. પહેલા સાફા કોટનના, પ્લેઇન અથવા બાંધણીના આવતા હતા. હવે સાફામાં પણ વેરાઈટી આવવા લાગી છે. હવે સાફા બાંધણી, લેહરિયા, પચરંગી, ફલાવર પ્રિન્ટ, ચેકસ પ્રિન્ટમાં મળે છે. જયારે મટીરીયલમાં પણ ચેન્જ આવ્યો છે.
બનારસી, ચંદેરી, કોટન, ડોરિયા કોટા, બનારસ, પાલી, જોધપુર, ઓર્ગેન્જા મટીરીયલમાં આવે છે. આ વખતે કોરોનાના કારણે અમારા બિઝનેસ ઉપર 50 ટકા અસર થઈ છે. જે જગ્યાએ 100 સાફા જતા તેની જગ્યાએ 50 અને 200ની જગ્યાએ 100 જાય છે. લગ્ન કેન્સલ થવાથી ઘણા ઓર્ડર પણ કેન્સલ થયા છે.
[ad_2]
Source link






