[ad_1]

વડોદરા, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર
વડોદરા શહેરમાં નિયત સ્થળોએ વર્ષોથી ગેરકાયદેસર મુસાફરો ભરી સરકારી તંત્રને નુકસાન પહોંચાડવાની નીતિ યથાવત છે. આ પ્રક્રિયામાં જો કોઈ અટકળ ઊભી થાય તો દેખાડા પૂર્તિ કામગીરી કરી પ્રશાસન આબરૂ બચાવવાનો પ્રયાસ કરે છે અને થોડા સમય પછી ફરી આ પ્રવૃત્તિની સાંકળ કાર્યરત થાય છે. બે દિવસ અગાઉ અમિત નગર સર્કલ પાસે મુસાફર બેસાડવા મુદ્દે વાહનચાલકો બાખડયા હતા.
પરિણામે લાંબા સમયથી ચાલતી પ્રવૃત્તિ વચ્ચે હરણી પોલીસ એક્શનમાં આવી 13 જેટલા વાહનો કબજે કરી વાહચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. ત્યારે આ કામગીરી અન્ય સ્થળોએ પણ કરાશે કે કેમ ? તેમજ ફરી સરકારી તંત્રને નુકસાન પહોંચાડવાની પ્રવુતિ યથાવત રહેશે કે કાયમી ધોરણે નિકાલ આવશે ? તે પ્રશ્ન લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.
અત્રે નોંધનીય છે કે, ખીચોખીચ ભરાતા મુસાફરોના જીવ સામે પણ તંત્ર મુક પ્રેક્ષક બની તમાશો જુવે છે. અમિતનગર પાસે જય અંબે સ્કુલના માસુમ વિદ્યાર્થીનું એસટી બસની અડફેટે મોત થતાં ભારે હોબાળો મચ્યો હતો. જે બાદ તાત્કાલીક અસરથી અમિતનગર સર્કલ પાસેથી એસટી સ્ટેન્ડ હટાવી લેવાયું હતું. હવે, તેની જગ્યાએ મુસાફરોની ગેરકાયદે હેરાફેરી કરતાં ખાનગી વાહનોના ચાલકોએ અડીંગો જમાવી દીધો છે. જેને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવા છતાં ટ્રાફિક અને હરણી પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.
અમિતનગર સર્કલ પાસે છેલ્લા લાંબા સમયથી ટ્રાફિક અને હરણી પોલીસની રહેમનજર હેઠળ આ પ્રવૃત્તિ ધમધમી રહી છે .જયાંથી અમદાવાદ-વડોદરા વચ્ચે છુટ્ટક ફેરી મારતા ખાનગી ઈકોકાર અને અર્ટીકાકારના ચાલકોનો દિવસભર જમાવડો રહે છે. નવાઈની વાત તો એ છે કે બસ સ્ટેન્ડ પર જ બેઠક જમાવી દીધી છે.
આ ઉપરાંત અમિત નગર સર્કલ પાસે મોડી રાત સુધી ટી સ્ટોલ ધમધમે છે. જેના કારણે લોકો ટ્રાફિકને અડચણરૂપ આડેધડ વાહનો પાર્ક કરી મુખ્ય માર્ગ ઉપર અડીંગો જમાવે છે. 11 વાગે ખાણીપીણીના ધંધા બંધ કરવા નીકળતી પોલીસને એક વાગ્યા સુધી ધમધમતો આ ટી સ્ટોલ કેમ નજરે ચડતો નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.
શહેરમાં આવા ઘણા વિસ્તારો છે કે, જ્યાં ટ્રાફિક અને સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ વાહનોમાં મુસાફરોની ગેરકાયદે હેરાફેરી થાય છે. જેમાં અમિતનગર , કિર્તીસ્થંભ, સોમા તળાવ, વાઘોડિયા રોડ, દુમાડ, સમા તળાવ, માણેકપાર્ક સર્કલ, ભૂતડીઝાંપા, મકરપુરા, બાપોદ જકાતનાકા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ સ્થળેથી ચાલકોને મુસાફરો ભરવા માટે દરમહિને હપ્તો ચૂકવવો પડે છે. જો કારચાલક હપ્તો ના આપે તો મુસાફરો ભરવા અંગે વારંવાર
અથડામણ પણ સર્જાતી રહે છે. એપ્રિલ મહિના દરમિયાન આ પ્રકારની માથાકૂટ થતાં ધોળે દદાડે જાહેર માર્ગ ઉપર તલવારો ઉછળી હતી. કારમાં ધસી આવેલા ચાર જેટલા શખ્સોએ તલવાર વડે પ્રદીપ નામના સ્થળ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.તેમજ દુમાડ પાસે પણ મારામારીના બે બનાવ બન્યા હતા.
સાત વ્યક્તિની કેપેસિટીની કારોમાં દશથી વધુ મુસાફરો બેસાડવાનું જોખમ
વડોદરા શહેરમાં ઘણી એવી જગ્યાઓ છે, કે જ્યાં વહીવટના જોરે સરકારી તંત્રને નુકસાન પહોંચાડી ગેરકાયદેસર મુસાફરીનો વ્યાપાર કરવામાં આવે છે. કારચાલકની બેદરકારી નજરે ચડતી હોવા છતાં પાલિકા અને પોલીસ મૌન બની લોકોના જીવ સાથે ચેડા કરી રહી છે.
વધુમાં વધુ સાત વ્યક્તિની ક્ષમતા ધરાવતી ઇકો અને અર્ટિકાકારમાં ખીચોખીચ 10થી વધુ મુસાફરો ભરવામાં આવે છે. તેમાંય છકડાની તો વાત જ શું કરવી. અને ફેરા વધુ મારવાની લ્હાયમાં સ્પીડથી હંકારતા ઘણીવાર અકસ્માત પણ સર્જાય છે. જો આરટીઓ આ અંગે પગલાં ભરે તો કામગીરીનો ટાર્ગેટ આ સ્થળોએથી પૂરો થઈ જાય તેમ છે.
[ad_2]
Source link






