[ad_1]

વડોદરાઃ ધો.એક થી પાંચના વર્ગો શરુ કરાયા બાદ બીજા દિવસે પણ ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.એક અંદાજ પ્રમાણે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં માંડ પાંચ થી દસ ટકા વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં ૨૫ ટકા જેટલી હાજરી બીજા જ દિવસે નોંધાઈ હતી.
મળતી વિગતો પ્રમાણે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોના પ્રાઈમરી સેક્શનમાં ધો.એક થી પાંચના દરેક વર્ગમાં માંડ પાંચ થી ૧૦ વિદ્યાર્થીઓ આજે હાજર જોવા મળ્યા હતા.ગઈકાલે પહેલા દિવસે તો ખાનગી સ્કૂલો પૈકીની ૯૦ ટકા જેટલી સ્કૂલોમાં તો ધો એક થી પાંચનુ શિક્ષણ કાર્ય શરુ જ નહોતુ થયુ.જ્યારે આજે પણ મોટાભાગની સ્કૂલોમાં વર્ગ દીઠ માંડ પાંચ થી દસ ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.શૈક્ષણિક સૂત્રોના કહેવા પ્રમાણે મોટાભાગની સ્કૂલોએ વાલીઓને વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા માટેના સંમતિ પત્રો ભરીને પાછા આપવા બુધવાર સુધીનો સમય આપ્યો છે.એટલે એક-બે દિવસમાં ચિત્ર સ્પષ્ટ થશે.
જોકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો વિદ્યાર્થીઓની હાજરીની બાબતમાં આગળ નિકળી ગઈ છે.શિક્ષણ સમિતિની ૧૨૦ જેટલી સ્કૂલોમાં ધો.એકથી પાંચના ૨૧૬૦૫ વિદ્યાર્થીઓની સામે આજે ૫૪૮૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.આમ શિક્ષણ સમિતિની સ્કૂલોમાં એકંદરે ૨૫ ટકા હાજરી બીજા જ દિવસે નોંધાઈ હતી.જેમાં આગામી દિવસોમાં હજી પણ વધારો થશે.શિક્ષણ સમિતિના સૂત્રોનુ કહેવુ છે કે, સમિતિની સ્કૂલોમાં ભણતા બાળકોમાંથી મોટાભાગના વાલીઓ પાસે વધારાનો સ્માર્ટ ફોન નથી હોતો અને તેઓ ઓનલાઈન શિક્ષણ માટે સક્ષમ પણ નથી હોતા.આ સંજોગોમાં તેઓ બાળકોને સ્કૂલે મોકલવા માટે સંમતિ આપી રહ્યા છે.
[ad_2]
Source link








