સોશિયલ મીડિયાના યુગમાં તેનો સદુપયોગ કરવા અને એઆઈ સહિતની આધુનિક ટેક્નોલોજીનો હકારાત્મક ઉપયોગ કરવા યુવાનોને આપી પ્રેરણા

ધરમપુર ખાતે આવેલા બામટીની ઉત્તર બુનિયાદી શાળાના હોલમાં આજે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ઉજવણી અને યુવાનો સાથે વાર્તાલાપનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન
કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે યુવાનોને ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્ર, તેમના સંઘર્ષ, સિદ્ધાંતો અને આદિવાસી સમાજના હક અને સન્માન માટે તેમણે આપેલા યોગદાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજના યુવાનોએ ભગવાન બિરસા મુંડાના જીવનને જાણવું અને તેમના આદર્શો તથા સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારવા જરૂરી છે. તેમના સંઘર્ષ અને રાષ્ટ્રપ્રેમમાંથી પ્રેરણા લઈને યુવાનોએ દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવું જોઈએ.

રાષ્ટ્રના નિર્માણમાં યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વિશ્વમાં અગ્રસ્થાને પહોંચાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. વિકસિત ભારતના નિર્માણમાં આજનો યુવા વર્ગ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. યુવાનો માત્ર પોતાના ભવિષ્ય વિશે જ નહીં, પરંતુ દેશ અને રાષ્ટ્રના ભવિષ્ય વિશે પણ વિચારે અને રાષ્ટ્રહિતમાં કંઈક નવું કરવાની ભાવના સાથે આગળ આવે તે સમયની માંગ છે.

સોશિયલ મીડિયા અને એઆઈનો હકારાત્મક ઉપયોગ કરો
વર્તમાન ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને મંત્રીશ્રીએ યુવાનોને સોશિયલ મીડિયાના સદુપયોગ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા માહિતી, શિક્ષણ અને જાગૃતિનું શક્તિશાળી માધ્યમ છે, પરંતુ તેની નકારાત્મક અસરો અને દિશાભ્રમિત કરતી પ્રવૃત્તિઓથી યુવાનોએ દૂર રહેવું જોઈએ. સાથે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગના યુગમાં યુવાનોએ નવી ટેક્નોલોજીનું જ્ઞાન મેળવી તેનો રચનાત્મક અને હકારાત્મક ઉપયોગ કરવો જોઈએ.

આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓની આપી જાણકારી
આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિવાસી સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે અમલી વિવિધ યોજનાઓ, સરકારી સહાય અને વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પણ યુવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સરકારી યોજનાઓની યોગ્ય જાણકારી મેળવી પાત્ર લાભાર્થીઓ સુધી તેનો લાભ પહોંચે તે માટે યુવાનોએ પણ જાગૃત અને જાણકાર બનવું જોઈએ તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના માધ્યમથી યુવાનોમાં ભગવાન બિરસા મુંડાના વિચારો, રાષ્ટ્રપ્રેમ, સામાજિક જાગૃતિ અને આધુનિક ટેક્નોલોજી પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.






