



ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બીડીસીએ દ્વારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી
બીસીસીઆઈ ( બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા) દ્વારા આયોજિત અંડર- ૨૩ વયજૂથના પુરૂષ ક્રિકેટરો માટે કર્નલ સી.કે.નાયડુ ટ્રોફી રમાડવામાં આવે છે જેમાં વિવિધ રાજ્યનો ટીમ ભાગ લેતી હોય છે. જે માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર -૨૩ મેન્સ બીસીસીઆઈ કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી ટુર્નામેન્ટ ૨૦૨૬-૨૭ માટે ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, સુરત અને વલસાડ જિલ્લામાંથી કુલ ૧૬ ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે. આ ૧૬ પૈકી વલસાડ જિલ્લામાંથી બીડીસીએના નેજા હેઠળ ચાર ખેલાડીની પસંદગી થઈ છે. જેમાં (૧) હેનિલ પટેલ, ભવ્ય ચૌહાણ, દ્રોણ દેસાઈ અને દિવ્ય આહિરનો સમાવેશ થાય છે. જે બદલ વલસાડ જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર પ્રસરી છે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાતની ટીમ આ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરે, સફળતા મેળવે અને ગુજરાતનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે. ગુજરાતની ટીમમાં પસંદગી બદલ બલસાર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી જનક દેસાઈએ જિલ્લાના ચારેય ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરી શુભેચ્છા પાઠવી હતી.
વલસાડના ઉપરોક્ત ચાર ખેલાડીમાંથી હેનિલ પટેલ ગત વર્ષે ભારતીય અંડર ૧૯ ટીમમાં પસંદગી પામ્યા હતા તથા વર્લ્ડ કપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને ભારતીય ટીમને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવામાં તેમનો સિંહ ફાળો રહ્યો હતો.





