
સેલવાસ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા મોટી સંખ્યામાં શિક્ષકો અને સ્ટાફની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ નિયામક કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આ આદેશ મુજબ કુલ 367 શિક્ષકો અને કર્મચારીઓને નવા સ્થળે બદલી કરવામાં આવી છે.
આ બદલીમાં દાદરા-નગર હવેલી તેમજ દમણ અને દીવ વિસ્તારની વિવિધ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોનો સમાવેશ થાય છે. શિક્ષકોને હાલની શાળામાંથી અન્ય શાળાઓમાં તબદીલ કરવામાં આવ્યા છે.
આ આદેશ મુજબ કેટલાક શિક્ષકોને GHSS (H/M) ટોકરખાડા, GHSS (E/M) દુધની, નરોલી, દાદરા, ખાનવેલ, રખોલી, ડાપાડા, મસાટ, સિલી, ઝાંડા ચોક સહિતની શાળાઓમાં ફરજ સોંપવામાં આવી છે.
આ ઉપરાંત કેટલાક શિક્ષકોને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને ઇન્ચાર્જ હેડ માસ્ટર તરીકે પણ જવાબદારી સોંપવામાં આવી છે. આદેશમાં જણાવ્યા મુજબ ‘*’ નિશાન ધરાવતા શિક્ષકોની બદલી તેમની વિનંતીના આધારે કરવામાં આવી છે.
ટ્રાન્સફર ઓર્ડર ની કોપી ડાઉનલોડ કરવા નીચે આપેલા બટન ઉપર ક્લિક કરો
👇👇👇👇
8 ઓક્ટોબરથી નવા સ્થળે ફરજ
શિક્ષણ વિભાગના આદેશ અનુસાર તમામ સંબંધિત શિક્ષકો અને સ્ટાફને 8 ઓક્ટોબર 2026ના રોજ બપોર બાદ (AN) હાલના ફરજસ્થળેથી રિલીવ કરવામાં આવશે. જ્યારે નવા મંજૂર પદ સામે 1 ઓક્ટોબર 2026થી સંબંધિત જિલ્લા શિક્ષણ કચેરી/શિક્ષણ નિયામક કચેરીમાંથી પગાર ચૂકવવામાં આવશે.
આ બદલી આદેશને શિક્ષણ સચિવની મંજૂરી મળ્યા બાદ જાહેર કરવામાં આવ્યો છે. આ મંજૂરી અંગેનો ડાયરી નંબર 1588996 અને તારીખ 7 ઓક્ટોબર 2026 દર્શાવવામાં આવી છે.
દમણ-દીવ સહિતના વિસ્તારોમાં પણ બદલી
બદલી યાદીમાં દાદરા-નગર હવેલી ઉપરાંત દમણ અને દીવ વિસ્તારના શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. અંતિમ પાનામાં દીવ, ઘોઘલા અને બૂચરવાડા ખાતે ફરજ બજાવતા શિક્ષકોને વાનાકબારા GHSS સહિતની શાળાઓમાં બદલી કરાયેલી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગે સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ, શિક્ષણ અધિકારીઓ અને શાળાના વડાઓને આદેશની અમલવારી કરવા સૂચના આપી છે.





