નીલોશી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શંકરભાઈ જાદવના મોતથી શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો પર વધતા કામના ભારણ અંગે ફરી ચર્ચા શરૂ, આટલી હદે માનસિક દબાણ કોમ આપી રહ્યું હતું એ અંગે પણ તપાસ થવી જોઈએ. આત્મહત્યા સુધીની દુશપ્રેરણા આપનાર સામે પણ ગુનો દાખલ થવો જોઈએ

કપરાડા તાલુકાના દીવસી ટોકરપાડા ફળિયામાં નીલોશી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શંકરભાઈ લાછીયાભાઈ જાદવ, ઉંમર 53 વર્ષના આપઘાતના બનાવથી પરિવાર તેમજ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. કપરાડા પોલીસમાં નોંધાયેલી અકસ્માત મોતની નોંધ મુજબ, શંકરભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હોવાની માહિતી સામે આવી છે.
શિક્ષકનું મુખ્ય કામ બાળકોને શિક્ષણ આપવાનું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોને શૈક્ષણિક કામગીરી ઉપરાંત વિવિધ વહીવટી અને સરકારી કામગીરી પણ સોંપાતી હોવાની ચર્ચા છે. આ વધતી જવાબદારીઓનો સીધો પ્રભાવ શિક્ષકોના દૈનિક કામકાજ અને માનસિક સ્થિતિ પર પડતો હોવાની ફરિયાદો પણ સામે આવતી રહી છે.

અંતરિયાળ વિસ્તારોમાં ઓનલાઈન હાજરી પડકારરૂપ
કપરાડા તાલુકાના અનેક અંતરિયાળ અને પર્વતીય વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા હજુ પણ મોટો પડકાર છે. આવી સ્થિતિમાં શિક્ષકો માટે ઓનલાઈન હાજરી સહિતની ડિજિટલ કામગીરી સમયસર પૂર્ણ કરવી મુશ્કેલ બની શકે છે.
કેટલાક વિસ્તારોમાં શાળાની અંદર નેટવર્ક ઉપલબ્ધ ન હોવાથી શિક્ષકોને નેટવર્ક મેળવવા માટે શાળાથી દૂર અથવા ઊંચાઈવાળા સ્થળે જવું પડતું હોવાની રજૂઆતો પણ થાય છે. આવી પરિસ્થિતિમાં શિક્ષણ કાર્યની સાથે ઓનલાઈન અને વહીવટી કામગીરીનો વધારાનો બોજ શિક્ષકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
શંકરભાઈ જાદવના મૃત્યુ પાછળ ચોક્કસ કારણ શું હતું તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ તેમના મૃત્યુને સીધું કામના ભારણ અથવા કોઈ ચોક્કસ અધિકારીના દબાણ સાથે જોડવું યોગ્ય નહીં બને. જોકે, આ બનાવે અંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવતા શિક્ષકોની કામગીરીની પરિસ્થિતિ અને તેમના પર રહેલા કામના દબાણ અંગે ગંભીર પ્રશ્નો ચોક્કસ ઊભા કર્યા છે.

અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા શિક્ષકો માટે શાળાએ પહોંચવાથી લઈને નેટવર્ક, ઓનલાઈન કામગીરી, સરકારી રિપોર્ટિંગ, વિવિધ સર્વે અને અન્ય વહીવટી જવાબદારીઓ સુધી અનેક પડકારો હોય છે. તેની સાથે પરિવારની જવાબદારી પણ શિક્ષકોએ નિભાવવાની હોય છે. આ તમામ બાબતો વચ્ચે શિક્ષકો માટે કામકાજનું વાતાવરણ વધુ સરળ અને સહાયક બનાવવાની જરૂરિયાત અંગે ચર્ચા જરૂરી બની છે.
આ બનાવ બાદ સૌથી મોટો સવાલ એ છે કે અંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવતા શિક્ષકોને ઓનલાઈન કામગીરી માટે પૂરતી ટેકનિકલ સુવિધા મળે છે કે નહીં? શિક્ષકોને સોંપવામાં આવતી બિન-શૈક્ષણિક કામગીરીનું ભારણ કેટલું છે? અને સતત કામના દબાણ વચ્ચે શિક્ષકોની માનસિક સુખાકારી માટે પૂરતી વ્યવસ્થા છે કે નહીં?
પોલીસે BNSS-2023ની કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ અને તેમાં કોઈ અન્ય પરિબળની ભૂમિકા હતી કે નહીં તે તપાસનો વિષય છે. પરંતુ આ ઘટનાએ શિક્ષકો પરના કામના ભારણ, અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ સુવિધાઓ અને માનસિક સહાય અંગે તંત્રએ ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયેશભાઈ ગરાસીયા અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને શિક્ષક આલમમાં પણ શોકની લાગણી ફેલાઈ જવા પામી છે





