વાપીમાં રૂ. ૨૧૩.૬૦ કરોડનાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાનાં ૧૦ વિકાસકામોને મંજૂરી

On: September 11, 2026 5:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


બલીઠામાં ૫૦ MLD ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે; આઠ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન અને છીરી–છરવાડામાં ભૂગર્ભ ગટર નેટવર્ક વિકસાવાશે


આજ રોજ તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષશ્રી સતીભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત, વિવિધ વિકાસકામો માટેની સમયમર્યાદા વધારવા અંગેની દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગના વિવિધ વિકાસકામોના આવેલ ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી. શહેરની માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગનાં કુલ રૂ. ૨૧૩.૬૦ કરોડનાં ૧૦ મહત્વપૂર્ણ વિકાસકામોને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મંજૂરી આપવામાં આવી છે.
મંજૂર થયેલાં કામોમાં બલીઠા ખાતે ૫૦ MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ, વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠાની પાઇપલાઇનનું નેટવર્ક વિકસાવવું તેમજ છીરી અને છરવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા ઊભી કરવાનો સમાવેશ થાય છે.
પાણી પુરવઠાનાં મંજૂર થયેલાં કામો અંતર્ગત બલીઠામાં ૩૧.૨૬૭ કિ.મી., ચણોદમાં ૯.૪૬૨ કિ.મી., મોરાઈમાં ૫.૭૧૩ કિ.મી., કુંટામાં ૧૦.૭૮૮ કિ.મી., વટારમાં ૧૬.૬૮૫ કિ.મી., કરવડમાં ૩૨.૬૧૫ કિ.મી., નામધામાં ૧૯.૦૨૩ કિ.મી. તથા સલવાવમાં ૪૦.૨૨૨ કિ.મી. લંબાઈની પાણીની પાઇપલાઇન નાખવામાં આવશે. આમ, આ વિસ્તારોમાં કુલ ૧૬૫.૭૭૫ કિ.મી.નું પાણી પુરવઠા નેટવર્ક વિકસાવવામાં આવશે.
આ ઉપરાંત છીરી અને છરવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા માટે કુલ ૪૪.૫૩ કિ.મી. લંબાઈની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાણી પુરવઠાનું આ નેટવર્ક આગામી ૩૦ વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ આવરી લેવાયેલા વિસ્તારોના નાગરિકોને પૂરતી માત્રામાં, યોગ્ય દબાણે અને સમયસર સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. ભવિષ્યમાં નેટવર્કના સેવા વિસ્તારમાં વિકસતાં નવા રહેણાંક વિસ્તારોને પણ જરૂરી પાઇપલાઇન વિસ્તરણ અને જોડાણ દ્વારા પાણી પુરવઠો મળી રહે તે બાબતને આયોજનમાં ધ્યાનમાં લેવામાં આવી છે.
પ્રોજેક્ટમાં સ્કાડા (SCADA) સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી પાણીના દબાણ સહિતનાં વિવિધ પરિમાણોનું સતત નિરીક્ષણ કરી શકાશે. પાણી પુરવઠા વ્યવસ્થાની દેખરેખ અને સુરક્ષા માટે કેમેરાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ગંદા પાણીના વૈજ્ઞાનિક શુદ્ધીકરણ માટે બલીઠા ખાતે દૈનિક ૫ કરોડ લિટર ગંદા પાણીના શુદ્ધીકરણની ક્ષમતા ધરાવતો ૫૦ MLDનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે. આ પ્લાન્ટમાં બલીઠા, છીરી, છરવાડા, સલવાવ, મોરાઈ, કુંટા અને વટાર વિસ્તારોમાંથી એકત્ર થતા ઘરગથ્થુ ગંદા પાણીનું શુદ્ધીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટો અમલમાં આવતાં વાપીના સંબંધિત વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા વધુ મજબૂત બનશે તેમજ ગંદા પાણીના સુવ્યવસ્થિત નિકાલ અને વૈજ્ઞાનિક શુદ્ધીકરણથી સ્વચ્છતા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે. વધતી વસ્તી અને ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને મંજૂર કરાયેલાં આ કામો શહેરની માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા અને નાગરિકોની જીવનસુવિધામાં સુધારો લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.


બેઠકમાં વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં સી.એમ. મોડર્ન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટ બનાવવા બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યત્વે વાપી વિસ્તાર,ચલા વિસ્તાર, સુલપડ ફળિયા, છીરી તથા ચણોદ વિસ્તારમાં સ્ટ્રીટ વેન્ડરો માટે યોગ્ય જગ્યા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેઓ પોતાનો વ્યવસાય સુવ્યવસ્થિત રીતે કરી શકે તે હેતુસર જરૂરી વ્યવસ્થા ઊભી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ હેતુસર જરૂરી દરખાસ્ત સરકારશ્રીમાં રજૂ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
વધુમાં, સમિતિમાં સરકારશ્રીના સૂચન મુજબ આગામી ૧૦ વર્ષને ધ્યાનમાં રાખીને આગોતરું આયોજન કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નવા રસ્તાઓના કામો, સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થા, પાણી પુરવઠા તથા ડ્રેનેજના વિકાસકામો અંગે આયોજન કરી જરૂરી તમામ વિકાસકામોની દરખાસ્ત સરકારશ્રીમાં રજૂ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.


સદરહુ બેઠકમાં વાપી મહાનગરપાલિકાના કમિશનરશ્રી એન. એફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ વિશાલ પટેલ તથા કિરણસિંહ રાણા તેમજ તમામ વિભાગીય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
સમગ્ર સભાનું સંચાલન મ્યુનિસિપલ સેક્રેટરી શ્રી રીતેશભાઈ વાળંદ દ્વારા કરવામાં આવ્યું હતું.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!