52 ફ્લેટધારકોએ સ્થળ પર જ રૂ.13 લાખ ભર્યા, 17 ફ્લેટ સીલ; વધુ 126 બાકીદારોને અંતિમ નોટિસ

વાપી: વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે વર્ષોથી મિલકત વેરો નહીં ભરતા ફ્લેટધારકો સામે કડક કાર્યવાહી શરૂ કરતાં બાકીદારોમાં દોડધામ મચી છે. મહાનગરપાલિકા કમિશનર એન. એફ. ચૌધરીની સૂચનાના પગલે ઘરવેરા વિભાગની ટીમે આઠથી દસ વર્ષથી વેરો બાકી રાખનાર ફ્લેટધારકોને અંતિમ નોટિસ આપી બાકી વેરો ભરવા તાકીદ કરી હતી.
ટેક્સ વિભાગના હેડ ક્લાર્ક રાકેશ ઠક્કરની આગેવાની હેઠળની ટીમે 69 મોટા બાકીદાર ફ્લેટધારકોની રૂબરૂ મુલાકાત લઈ વેરો ભરવા સમજાવ્યા હતા. બાકી વેરો નહીં ભરવામાં આવે તો નિયમ મુજબ 12 ટકા વ્યાજ, નોટિસ ફી, દંડ તેમજ મિલકત જપ્ત કરવાની કાર્યવાહી થઈ શકે છે તેવી જાણ કરવામાં આવી હતી. કાર્યવાહીથી બચવા મંછારામ એપાર્ટમેન્ટ, પરિશ્રમ એપાર્ટમેન્ટ, શિવાલિક, રોયલ ડ્રીમ્સ સહિતના 52 ફ્લેટધારકોએ સ્થળ પર જ ઓનલાઈન રૂ.13 લાખનો બાકી વેરો ભરપાઈ કરી દીધો હતો.

બીજી તરફ, નોટિસ આપવા છતાં બાકી વેરો ભરવામાં બેદરકારી દાખવનાર ફ્લેટધારકો સામે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી હતી. અરિહંતમાં ચાર, શ્રીરામ સોસાયટીમાં ત્રણ, અંબિકા પાર્કમાં ત્રણ સહિત કુલ 17 ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે બાકી વેરો નહીં ભરનાર મિલકતધારકો સામે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે
મહાનગરપાલિકાના નાયબ કમિશનર કિરણસિંહ રાણાએ મોટા બાકીદાર ફ્લેટધારકોને બાકી મિલકત વેરો તાત્કાલિક ભરપાઈ કરવા જણાવ્યું છે. સાથે જ વેરો નહીં ભરનાર મિલકતધારકોના ફ્લેટની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન ઘરવેરા વિભાગે તાજેતરમાં વર્ષોથી વેરો નહીં ભરતા વધુ 126 ફ્લેટધારકોને અંતિમ નોટિસ પાઠવી છે. જેના પગલે આગામી દિવસોમાં બાકીદારો સામેની કાર્યવાહી વધુ તેજ બને તેવી શક્યતા છે.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ, પાણી, રસ્તા, સ્ટ્રીટલાઇટ સહિતની વિવિધ પાયાની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ સેવાઓ માટે મિલકત વેરાની આવક મહત્વની હોવાથી દરેક મિલકતધારકની ફરજ બને છે કે પોતાનો વેરો સમયસર ભરપાઈ કરે. વર્ષો સુધી વેરો બાકી રાખ્યા બાદ દંડાત્મક કાર્યવાહીનો સામનો કરવાને બદલે નાગરિકો સમયસર વેરો ભરે તેવો સંદેશ મહાનગરપાલિકાની કાર્યવાહીથી સ્પષ્ટ થયો છે.





