
ભૂલાતી જતી ભજનની ધરોહરને સાચવવા અને નવી પેઢી સુધી ભજનની પરંપરા પહોંચે તે માટે સુંદર પહેલ
આસપાસના ૯ ગામોની ભજન મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ગ્રામ્ય સંસ્કૃતિના ભજનોની રમઝટ બોલાવી
ભજનના સૂર થકી સંસ્કૃતિના મૂળ સાથે જોડાવાનો સરાહનીય પ્રયાસ, આદિવાસી કલાકારો છવાયા
(સૌજન્ય માહિતી બ્યુરો)
વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના બાલચોંડી ગામમાં આવેલા શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરના આંગણે શ્રી માઁ રેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ચીવલ અને મનહર સેલ્સ, નાનાપોંઢાના સંયુક્ત સહયોગથી ભૂલાતી જતી ભજન પરંપરાને જીવંત રાખવા ભજન સ્પર્ધા યોજવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં આસપાસના ૯ ગામોની ભજન મંડળીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પરંપરાગત ભજનોની સૂરાવલીથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
કાર્યક્રમની શરૂઆત દેવાધિદેવ મહાદેવજીની આરતી તથા પ્રકૃતિ પૂજા દ્વારા કરવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર ભજન મંડળીઓએ ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાને અનુરૂપ વિવિધ ભજનો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આધુનિક સંગીતના વધતા પ્રભાવ વચ્ચે ભુલાતી જતી પરંપરાગત ભજન સંસ્કૃતિને જીવંત રાખવા તથા નવી પેઢીને આ સાંસ્કૃતિક વારસાથી જોડવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધા એક સુંદર પહેલ બની રહી હતી.
સ્પર્ધામાં સૌરભ કલાવૃંદ, વાઘછીપાની ભજન મંડળીએ પ્રથમ ક્રમ, જય યોગેશ્વર ભજન મંડળી, ભંડારકચ્છે દ્વિતીય ક્રમ તથા મિતેશ મ્યુઝિકલ ગ્રુપ, વારોલીજંગલે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વિજેતા ત્રણેય ટીમોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાથે જ ઉભરતા કલાકારોને પ્રોત્સાહન આપી તેમની કલાને બિરદાવવામાં આવી હતી.
સ્પર્ધાના નિર્ણાયક તરીકે નિવૃત્ત શિક્ષકો ઉત્તમભાઈ, ઈશ્વરભાઈ, સતીશભાઈ અને રાજેશભાઈએ જવાબદારી નિભાવી હતી. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યોજાયેલી આ ભજન સ્પર્ધામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભજનરસિકો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિ તથા લોકસંસ્કૃતિથી ભરપૂર ભજનોની સૂરાવલી માણી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે બાલચોંડી ગામના સરપંચ રાજેશભાઈ, વાજવડ ગામના સરપંચ નરેશભાઈ, પૂર્વ સરપંચ હરેશભાઈ પટેલ, અશ્વિનભાઈ (મનહર સેલ્સ, નાનાપોંઢા), ત્રતવિકભાઈ, નવીનભાઈ (ચીવલ), અનંતાબેન ચીવલ તેમજ બાલચોંડી ગામના ભુવનેશ્વર મહાદેવ મંદિર અને જલારામ મંદિરના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોડીયા સમાજના ટ્રસ્ટી હરેશભાઈએ કર્યું હતું, જ્યારે જીતુભાઈ પટેલે આભારવિધિ કરી હતી.
આ ભજન સ્પર્ધા દ્વારા ગામડાઓમાં વર્ષોથી જીવંત રહેલી પરંપરાગત ભજન પરંપરાને જાળવી રાખવા, લોકસંગીત અને ગ્રામ્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા તેમજ નવી પેઢીને પોતાની સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.





