
વાપી રેલવે સુરક્ષા દળ (RPF)ને રેલવે સંપત્તિ ચોરીના એક મહત્વપૂર્ણ કેસમાં મોટી સફળતા મળી છે. વાપી–ઉદવાડા સ્ટેશન વચ્ચે આવેલા બલીઠા ફાટક નજીક રેલવે રિલે રૂમમાંથી ચોરાયેલા કોપર વાયર મામલે RPFએ બે મુખ્ય આરોપી અને એક રિસીવરની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાપી RPF પોસ્ટ ખાતે નોંધાયેલા ગુનો ક્રમાંક 08/2026 અંતર્ગત RP(UP) Act કલમ 03 અને રેલવે અધિનિયમની કલમ 174(c) હેઠળ ચાલી રહેલી તપાસ દરમિયાન 18 મેના રોજ RPF ઇન્સ્પેક્ટર આર્શીષ તિવારીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ દ્વારા ગુપ્ત દેખરેખ અને તપાસ હાથ ધરવામાં આવી હતી.
ASI નિતિન ટંડેલ અને ASI અશોક કુમાર સહિતની ટીમે વાપી–ઉદવાડા સ્ટેશન વચ્ચે બલીઠા ફાટક નજીક બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં સંતોષકારક જવાબ ન આપતાં બંનેની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન બંનેએ પોતાનું નામ અમિત ગુલાબ ચૌહાણ (ઉંમર 29 વર્ષ) અને હિતેન્દ્રસિંહ જસવંતસિંહ રાણા (ઉંમર 36 વર્ષ) હોવાનું જણાવ્યું હતું. બંને વાપીના બલીઠા ફાટક નજીક આવેલી માધવ રેસિડન્સીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેઓ દારૂ અને અન્ય નશાની લત ધરાવે છે. નશાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેઓએ પોતાના સાથી અજિત સાથે મળીને 8 મેની રાત્રે વાપી–ઉદવાડા વચ્ચે કિમી નંબર 175/04-06 પાસે આવેલા રેલવે રિલે રૂમનું તાળું તોડી અંદરથી અર્થિંગ માટે લગાવવામાં આવેલી BRC કોપર સ્ટ્રીપ અને કોપર વાયર કટર તથા ટી-પાનાની મદદથી કાપીને ચોરી કરી હતી.
આરોપીઓએ વધુમાં જણાવ્યું હતું કે ચોરી કર્યા બાદ સાથી અજિત પોતાની કાળા રંગની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-15-EP-5791 પર ચોરાયેલ વાયર લઈ ગયો હતો. બાદમાં બિલ્ડિંગ પાછળ વાયરનું પ્લાસ્ટિક છોલી કોપર કાઢવામાં આવ્યું હતું.
ત્યારબાદ આ કોપર બલીઠા વિસ્તારમાં આવેલી વિજય કુમાર ગુપ્તાની ભંગાર દુકાને કુલ ₹13,200માં વેચી દેવાયું હતું. મળેલી રકમમાંથી ₹4,000-₹4,000 આરોપીઓએ વહેંચી લીધા હતા, જ્યારે બાકીની રકમ ખાવા-પીવા અને નશામાં ખર્ચી નાખી હોવાનું ખુલ્યું હતું
આરોપીઓની નિશાનદેહી પરથી RPFની ટીમ બલીઠા ખાતે આવેલી ભંગાર દુકાને પહોંચી હતી, જ્યાંથી રિસીવર તરીકે વિજય કુમાર રામલોચન ગુપ્તાના કબ્જામાંથી અંદાજે 15 કિલો ચોરાયેલ રેલવે કોપર વાયર જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા વાયરાની અંદાજિત કિંમત ₹13,200 હોવાનું જણાવાયું છે.
વિજય કુમાર મૂળ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને હાલમાં બલીઠા વિસ્તારમાં ભંગારનો ધંધો ચલાવે છે.
બાદમાં બંને આરોપીઓની મદદથી RPFની ટીમ ડુંગરા વિસ્તારમાં અજિતના નિવાસસ્થાને પહોંચી હતી. જોકે અજિત સ્થળ પર હાજર મળ્યો નહોતો. પરંતુ તેના ઘરે છુપાવી રાખવામાં આવેલી ચોરીમાં વપરાયેલી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-15-EP-5791 કબ્જે લેવામાં આવી હતી
RPFએ સમગ્ર મામલે આરોપી અમિત ચૌહાણ, હિતેન્દ્રસિંહ રાણા અને રિસીવર વિજય કુમાર ગુપ્તાને કેસમાં સામેલ કર્યા છે, જ્યારે અજિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓના ગુનાની કબૂલાતના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મામલામાં ચોરાયેલી રેલવે સંપત્તિની સંપૂર્ણ રિકવરી થઈ ગયેલ હોવાનું RPFએ જણાવ્યું છે. ત્યારબાદ આરોપીઓએ જામીનની માંગણી કરતા માનનીય કોર્ટના આદેશ મુજબ તમામને બંધપત્ર હેઠળ શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
હાલ સમગ્ર કેસની વધુ તપાસ ASI નિતિન ટંડેલ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે.



