વલસાડ જિલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરફેર સામે કડક વલણ અપનાવી રહેલી વાપી ટાઉન પોલીસે એક મહત્વની કામગીરીમાં TATA ACE ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. ૭,૮૭,૬૦૦/-ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
મળેલ ગુપ્ત માહિતીના આધારે સર્વેલન્સ સ્ટાફે નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર, બોમ્બે હોટેલ સામે, વાપી-મુંબઈ-સુરત માર્ગ ઉપર ચેકિંગ ગોઠવ્યું હતું. ત્યાંથી MH-01-CR-4750 નંબરનો TATA ACE ટેમ્પો શંકાના આધારે રોકવામાં આવ્યો. ટેમ્પોનું પાછળનું શટર ખોલતાં ૪૨ બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી વ્હીસ્કી અને ટીન બિયર કુલ ૬૪૮ નંગ એટલે કે ૨૯૮ લિટર મળી આવ્યા, જેની બજાર કિંમત રૂ. ૨,૮૨,૬૦૦/- આંકવામાં આવી છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન રૂ. ૫,૦૦૦/- તથા ટેમ્પોની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૭,૮૭,૬૦૦/-નો પ્રોહિબિશન મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ ટેમ્પોના ચાલક દર્શકભાઈ ઉર્ફે જાડિયો, પિ. ભરતભાઈ રામચંદ્ર જોષી, ઉ.વ. ૩૮, રહે. પ્લોટ નં. ૧૦૧, ગોકુળ નગર, ભરત નગર, તા.જી. ભાવનગરની ધરપકડ કરવામાં આવી છે. દારૂ ભરાવનાર અને મંગાવનાર ‘દિવ્યેશ’ નામનો ઇસમ, જેના પૂરા નામ-સરનામાની વિગત મળી નથી, તે હજુ ફરાર હોઈ તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ કેસમાં પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫ એ.ઈ., ૮૧ અને ૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સદર કામગીરી પો.ઈ.શ્રી એમ.પી.પટેલ, વાપી ટાઉન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ, સર્વેલન્સ સ્ટાફ — પો.સ.ઈ. આર.ડી.પાટીલ, ASI પ્રદીપસિંહ પ્રતાપસિંહ (બ.નં. ૧૦૫૪), અ.પો.કો. કૃપાલસિંહ ચંદુભાઈ (બ.નં. ૧૧૭૪), આ.પો.કો. ભવાનીસિંહ ભૂપતસિંહ (બ.નં. ૩૦૨) અને અ.પો.કો. અલ્પેશકુમાર ભીમાભાઈ (બ.નં. ૧૦૧૫)ની ટીમ વર્કથી પાર પાડવામાં આવી. સમગ્ર ઓપરેશનને નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એન.દવે, વાપી વિભાગ, તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા (IPS) અને IGP પ્રેમ વીર સિંહ (IPS)નો માર્ગદર્શનનો સહયોગ સાંપડ્યો હતો.




