[ad_1]

ખંભાળિયા તાલુકાના સોઢા તરઘરી ગામે 10.87 લાખના અંગ્રેજી દારૂનો જથ્થો મૂકી જનારા જામનગરના બુટલેગરની શોધખોળ
જામ ખંભાળિયા, ખંભાળિયા – જામનગર રોડ પર સોઢા તરઘરી ગામે એક રહેણાંક પાસે રહેલા એક ટેમ્પોમાં પોલીસે ચેકિંગ કરતા આ ટેમ્પામાંથી રૂપિયા 10.87 લાખની કિંમતની 193 પેટી વિદેશી દારૂનો જથ્થો સાંપડયો હતો. ઘાંસ તથા મકાઈની આડમાં છુપાવીને રાખવામાં આવેલો દારૂનો આ તોતિંગ જથ્થો મૂકી જનારા જામનગરના બુટલેગરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયા પંથકમાં સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના સોઢા તરઘરી ગામે એક રહેણાંક મકાન પાસે ગત મોડી સાંજે પોલીસ સ્ટાફે ચેકિંગ કાર્યવાહી કરી, આ સ્થળે રહેલા ટેમ્પોને ઢાંકીને રાખવામાં આવેલી તાલપત્રી ઊંચકાવીને જોતા પ્રથમ તો અહીં ઘાસ તથા લીલી મકાઈ જોવા મળી હતી. જેને બહાર કાઢી, અને જોતાં તેની નીચેથી વિદેશી દારૂની પેટીઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. આથી આ ટેમ્પોને પોલીસે ડ્રાઇવર મારફતે ખંભાળિયાના પોલીસ મથકમાં લાવી, ચેકીંગ કરતા તેમાંથી 193 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
કુલ રૂપિયા 10,87,200ની કિંમતની 2,316 વિદેશી દારૂ ની બોટલો, ટેમ્પો મળી કુલ રૂપિયા 14,87,200 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.
સોઢા તરઘરી ગામે સ્થાનિક આસામીઓની પૂછપરછમાં દારૂનો આ જથ્થો આ ગામમાં રહેતા એક આસામીના સંબંધી અને જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર રહેતા મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા મૂકી ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. આથી પોલીસે આ દારૂ પ્રકરણમાં તેને હાલ ફરારી ગણી, મયુરસિંહ તથા અન્ય સંડોવાયેલા મનાતા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
[ad_2]
Source link






