[ad_1]

2020માં નેધરલેન્ડની PAL-V સાથે MOU કર્યા હતા
બે વર્ષ બાદ પણ કાર કંપનીને કેન્દ્રમાંથી વિવિધ મંજૂરીઓ મળી નથી, 2021માં પ્લાન્ટ શરૂ કરવા દાવો કરાયો હતો
અમદાવાદ : ગુજરાતમાં મેન્યુફેકચરિંગ પ્લાન્ટ નાંખવા એક હજાર હેક્ટર જમીન આપવાની ઓફર કરાઇ હોવા છતાંય ટેસ્લા કાર કંપનીએ સ્વિકાર કર્યો નથી.આ કાર કંપની માટે તો જાણે રાજ્યો વચ્ચે સ્પર્ધા જામી છે.ત્યાં એવી જાણકારી મળી છેકે, નેધરલેન્ડની પાલ-વી કંપની સાથે રૂપાણી સરકારે ફ્લાઇંગ કાર(ઉડતી કાર) માટે કરાર કર્યા હતાં પણ દોઢ વર્ષ જેટલો સમય વિત્યો છતાંય હજુ સુધી કાર પ્લાન્ટ નાંખવાના કોઇ ઠેકાણાં નથી.
ફ્લાઇંગ કાર માટે હજુ યુરોપ સહિતના દેશોમાં ટ્રાયલ ચાલી રહ્યુ છે ત્યારે માર્ચ-2020માં ગુજરાત સરકારે નેધરલેન્ડની ડચ કંપની પાલ-વી સાથે એમઓયુ કર્યા હતાં કે, આ કાર કંપની ગુજરાતમાં 10 હજાર કરોડનું રોકાણ કરી ફલાઇંગ કારનું મેન્યુફેકચરિંગ પ્લાન્ટ નાંખશે.
ભારતમાં ફ્લાઇંગ કારનો આ પ્રથમ મેન્યુફેકચરિંગ પ્લાન્ટ હશે. રૂપાણી સરકારે કાર પ્લાન્ટ માટે ઉદ્યોગ પોલીસી હેઠળ માળખાકીય સુવિધા માટે મદદ કરવા તૈયારી દર્શાવી હતી. એમઓયુ બાદ એવો દાવો કરવામાં આવ્યો હતોકે, કાર કંપનીને 110 ફ્લાઇંગ કાર માટે ઓર્ડર સુધ્ધાં મળ્યાં છે જેનં પ્રિ-બુકિંગ પણ કરાયુ છે.
મેન્યુફેકચરિંગ પ્લાન્ટ માટે કાર કંપનીને કેન્દ્રમાંથી લેવાની વિવિધ મંજૂરીઓ મેળવવાની હતી તે માટે પણ ગુજરાત સરકારે સાથ સહકાર આપવા નક્કી કર્યુ હતું. સૂત્રોના મતે, દોઢ વર્ષ જેટલો સમય વિત્યો છે પણ હજુ કંપનીને કેન્દ્રમાંથી મંજૂરીઓ મળી શકી નથી. આ ઉપરાંત કંપનીએ વર્ષ 2021માં પ્લાન્ટ શરૂ થઇ જશે તેવો દાવો કર્યો હતો પણ હજુ સુધી કોઇ ઠેકાણાં નથી.
રાજ્ય સરકાર ગુજરાતને ઓટો હબ બનાવવા ઇચ્છુક છે પણ અન્ય રાજ્યો સાથે સ્પર્ધા જામી હોવાથી આંતર રાષ્ટ્રીય કક્ષાની કાર કંપનીઓ હકારાત્મક અભિગમ દાખવવા રાજી નથી. ટૂંકમાં, ગુજરાતમાં ફ્લાઇંગ કારના ઉત્પાદનને લઇને અત્યાર સુધી કોઇ હલચલ નથી. ટેસ્લા કાર કંપની બાદ પાલ-વી કંપની પણ કાર પ્લાન્ટને લઇને કોઇ નક્કર નિર્ણય લઇ શકી નથી.
ફલાઇંગ કારની વિશેષતા
* ફ્લાઇંગ કાર બે એન્જિન ધરાવે છે
* રોડ પર 160મી ઝડપે દોડી શકે છે
* આકાશમાં 180ની સ્પિડે ઉડી શકે છે
* રન વે પર ટુંકું દોડી ટેક ઓફ કરે છે
* ફ્લાઇંગ કારની કિંમત રૂા.3 કરોડ અંદાજવામાં આવી છે
[ad_2]
Source link






