[ad_1]

વડોદરા, તા. 13 ડિસેમ્બર 2021 સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જોડાયેલા આઉટર ગ્રોથ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓ પાણી, ડ્રેનેજ ,સ્ટ્રીટ લાઈટ ,રોડ અને વરસાદી ગટર ના કામો કરવામાં આવશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીમાં તાજેતરમાં દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી – 78 હેઠળ શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં વિકાસના કામો કરવા વર્ષ 2020-21માં 21 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે . જેની સામે વડોદરા કોર્પોરેશન દ્વારા 25. 77 કરોડના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના કામો કરવાનું વિચારાયું છે.
આ કામ કરવા માટે સરકારની મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવશે, તેમજ નાણાંકીય અને વહીવટી તેમજ ટેક્નિકલ દ્રષ્ટિએ ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂર મુજબ ફેરફાર પણ કરવામાં આવશે.
મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા આ માટે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવીને કામોની દરખાસ્ત મંજૂરી માટે સરકારમાં રજૂ કરવા જણાવાયું હતું. આવા 66 કામો તૈયાર કરવામાં આવ્યા છે .જે પાણી પુરવઠા, ડ્રેનેજ ,સ્ટ્રીટ લાઈટ, રોડ વગેરેના છે. જેમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં બે કરોડના ખર્ચે સ્ટ્રીટલાઈટ નાખવામાં આવશે.
સેવાસી વિસ્તારમાં અઢી કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન કરવામાં આવશે. વાસણા ટાંકી વિસ્તારમાં 4 કરોડનું પાણીનું નવું નેટવર્ક ઊભું કરવામાં આવશે, તેમ જ વડદલા, જાંબુવા, તરસાલી વિસ્તારમાં પણ ત્રણ કરોડના કામો કરવામાં આવશે.
વડોદરા શહેરની હદમાં જોડાયેલા બિલ, કરોડિયા, ઉંડેરા, સેવાસી, ભાઈલી વગેરે વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી ગટરના તેમજ કાચો પાકો રોડ સિલ કોટ કરવાના કામો પાછળ 14. 27 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
[ad_2]
Source link






