[ad_1]

અમદાવાદ, તા. 04 માર્ચ 2022 શુક્રવાર
મેમનગરની એવન સ્કૂલ પાસે સનબ્રિજ ટાવરમાં રહેતી 35 વર્ષીય મહિલાએ ઓનલાઈન જોબ મેળવવાના ચક્કરમાં રૂ.1.56 લાખ ગુમાવ્યા હતા. ત્રણ મહિના અગાઉ મહિલાએ અજાણ્યા નંબર પરથી ટેક્સ્ટ મેસેજમાં લિંક ઓપન કરતા વોટ્સએપમાં તમારે નોકરીની જરૂર છે? તેવો મેસેજ આવ્યો હતો. મહિલાએ હા પાડતા વોટ્સએપમાં સાયબર ઠગે ફોર્મ, સ્કેનર મોકલી રૂ.100 ભરાવ્યા બાદ રૂ. 400 પરત આપી મહિલાનો વિશ્વાસ કેળવ્યો હતો આ રીતે ઠગે જુદા જુદા ટ્રાંઝેક્શન કરાવી મહિલા સાથે લાખોની ઠગાઈ આચરી હતી. વસ્ત્રાપુર પોલીસે ગુરુવારે બપોરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મેમનગરમાં રહેતા પુનમબહેન વાસવાનીએ અજાણ્યા નંબર પર આવેલા ટેક્સ્ટ મેસેજની લિંક ઓપન કરતા વોટ્સએપ ઓપન થયું જેમાં નોકરીની જરૂર છે? તેવો મેસેજ આવતા તેઓએ હા પાડી હતી. તે પછી ઠગે મોકલેલી લિંક ઓપન કરતા ટેલિગ્રામ ઓપન થયું હતું. આરોપીએ ટેલિગ્રામમાં નોકરીની જરૂર હોય તો નામ,ઉંમર અને અન્ય વિગત ભરવા જણાવ્યું હતું.
પુનમબહેનને આરોપીએ વોટ્સએપમાં ફોર્મ અને સ્કેનર મોકલી આપ્યા હતા. સ્કેન કરી રૂ 100 ભરવા અને ફોર્મ મોકલી આપવા આરોપીએ જણાવ્યું હતું. પુનમબહેને આરોપીના કહ્યા મુજબ રૂ.100 યુપીઆઈથી ટ્રાન્સફર કર્યા જ્યારે તેમની પુત્રીએ ફોર્મની વિગતો ભરી હતી. પુનમબહેનના એકાઉન્ટમાં થોડીવાર બાદ રૂ.400 જમા થયા હતા.
એકાઉન્ટમાં રકમ આવતા વિશ્વાસમાં આવી ગયેલા પુનમબહેનને આરોપીએ કહ્યું કે, વર્ક ઓર્ડર ના થાય ત્યાં સુધી હું કહું તેમ રકમ જમા કરજો. ઓર્ડર ફાઇનલ થયા બાદ તમારા ખાતામાં વેટ કમિશન સહિતની તમામ રકમ જમા થઈ જશે. આ રીતે જુદા જુદા ટ્રાંઝેક્શન કરી મહિલાએ રૂ.156490ની રકમ ટ્રાન્સફર કરી પણ વર્ક ઓર્ડર આવ્યો ન હતો. તે પછી પણ આરોપીએ વધુ રકમ માંગતા મહિલાને શંકા જતા પોલીસને જાણ કરી હતી.
[ad_2]
Source link






