
ખેલૈયાઓ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કરી જાણીતા ઓરકેસ્ટ્રા બેન્ડના સથવારે બોલાવશે રાસ-ગરબાની રમઝટ
વાપીમાં ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજી ઇવેન્ટ દ્વારા રાસ રમઝટ સિઝન-7 નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે શ્રીજી ઇવેન્ટના આયોજક સમીર પટેલ, DJ રોકી એન્ડ ધ ફાઇન ટ્યુનર્સ ઓરકેસ્ટ્રા બેન્ડના રાકેશ અસાર, ઇવેન્ટ એસોસીએટ મુકેશ જૈન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી રાસ રમઝટ નવરાત્રી મહોત્સવ 2023ના આયોજન અંગે વિગતો પુરી પાડી હતી.
રાસ રમઝટ નવરાત્રી મહોત્સવ 2023ના આયોજન અંગે આયોજક એવા શ્રીજી ઇવેન્ટના સમીર પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાઠેલા પાર્ટી પ્લોટ ખાતે રાસ રમઝટ સીઝન-7, નવરાત્રી મહોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા મહોત્સવમાં આ વખતે મુંબઈના જાણીતા આર્ટિસ્ટ બેન્ડને બોલાવવામાં આવ્યા છે. આ ઓરકેસ્ટ્રા ગ્રુપ અધ્યતન સાઉન્ડ પર છેલ્લા 20 વર્ષથી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને ગુજરાતી, હિન્દી સયુઝન ગીતો પર રાસ ગરબા રમાડે છે.

ખેલૈયાઓ માટે નવરાત્રી મહોત્સવ દરમિયાન વિશેષ રોકડ અને અન્ય પ્રાઈઝનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 10 થી વધુ ખેલૈયા ગ્રુપનું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. તો ગરબા શોખીન 800 જેટલા ખેલૈયાઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગરબા રમતી વખતે તમામ ખેલૈયાઓના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવામાં આવી છે. જે માટે શ્રદ્ધા હોસ્પિટલની એક પેરા-મેડિકલ ટીમ ગ્રાઉન્ડમાં તૈનાત રહેશે. જે દરેક ખેલૈયાઓનું નિઃશુલ્ક નિદાન કરશે. સ્વાસ્થય સાથે ગરબા રમવા આવતા અને ગરબા નિહાળવા આવતા દરેક માટે સુરક્ષા જળવાય રહે તે માટે પોલીસ ટીમ સહિત અન્ય સુરક્ષા ગાર્ડ પણ તૈનાત રહેશે. ગ્રાઉન્ડ CCTV થી સજ્જ કરવામાં આવ્યું છે.
ગરબા રમવા આવતા ખેલૈયાઓ માટે સીઝન પાસ અને ડેઇલી પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. જે અન્ય આયોજકોની સરખામણીએ દરેક ખેલૈયા ગ્રુપને પરવડે તે મુજબના ભાવ નક્કી કરાયા છે. પાસની વ્યવસ્થા સાથે જે લોકો ગરબા નિહાળવા આવે છે તેવા તમામ લોકો માટે બેઠક વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
વધુમાં સમીર પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે આ વિસ્તારમાં અન્ય આયોજક ગ્રુપ દ્વારા પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. પરંતુ શ્રીજી ઇવેન્ટ દ્વારા ઘણા વર્ષોથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય, શ્રીજી ઇવેન્ટના ગરબા ખેલૈયાઓમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીં સંપૂર્ણ સુરક્ષા જાળવવામાં આવતી હોય અન્ય આયોજકોની સરખામણીએ અત્યારથી જ દમણ, સેલવાસ, વાપી વિસ્તારના મોટાભાગના ખેલૈયા ગ્રુપ તેમની સાથે જોડાઈ ગયા છે. નવરાત્રી મહોત્સવ માતાજીની આરાધનાના પ્રતીક સમાન હોય ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી ધાર્મિક રાસ ગરબા ને વિશેષ પ્રાધાન્ય આપવામાં આપ્યું છે.
એ જ રીતે ગરબા મહોત્સવની ઇવેન્ટ એ ખર્ચાળ ઇવેન્ટ હોય સમાજના પ્રતિષ્ઠિત લોકોને સાથે જોડાવા આહવાન કર્યું હતું. જેમાં વાપીના જાણીતા ભારતીય જૈન સમાજના પ્રમુખ મુકેશ જૈન પણ સહભાગી થયા છે. જેના પ્રયાસથી અન્ય સ્પોન્સર્સ પણ સપોર્ટમાં આવ્યા છે. એટલે દર વખતની સરખામણીએ આ વખતનું આયોજન વધુ સુંદર બનાવવાની તક મળી છે. ખેલૈયાઓ માટે ઉત્તમ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.
તો DJ રોકી એન્ડ ધ ફાઈન ટ્યુનર્સ ના રાકેશ અસારે જણાવ્યું હતું કે તેમનું ઓરકેસ્ટ્રા ગ્રુપ વાપીમાં ખૂબ જ પ્રચલિત છે. આ વર્ષે તેમનું આ ગ્રુપ શ્રીજી ઇવેન્ટ સાથે જોડાયું છે. આ વખતના નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી અને મુંબઈ સ્ટાઇલમાં ખેલૈયાઓને ગરબે રમાડશે. ચાર સિંગર અને બેન્ડ આર્ટિસ્ટ સહિત કુલ 15 જેટલા સ્ટાફના તમામે આ માટે અગાઉથી જ સંપૂર્ણ પ્રેક્ટિસ કરી લીધી છે. ગાયક કલાકારો અને બેન્ડ જેટલું સારું પર્ફોમન્સ આપી શકે તેટલું સારું પરફોર્મન્સ પૂરું પાડશે. આ વખતે ગરબામાં નવા ગીતો ને ગરબા સ્ટાઇલમાં તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ખલાસી…. ગોતી લો… જેવા ગીતને દાંડિયા રાસની થીમ પર તૈયાર કર્યા છે. કેટલાક રેપ સોન્ગ્સને પણ ગરબા સ્ટાઈલમાં તૈયાર કર્યા હોય ખેલૈયાઓને ભરપૂર મનોરંજન પૂરું પાડશે.
તો નવરાત્રી મહોત્સવ દરમિયાન વલસાડ જિલ્લાના અને દમણ સેલવાસના મહત્વના રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓને પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પહેલા નોરતાથી લઈને પૂનમ સુધીના દિવસો દરમિયાન આ તમામ મહાનુભાવોને આમંત્રિત કરી તેમના હસ્તે રાસ-ગરબામાં ઉત્તમ પર્ફોમન્સ આપનાર ખેલૈયાઓનું સન્માન કરી સ્પોન્સર્સ દ્વારા આપવામાં આવેલી પ્રાઈઝનું વિતરણ કરવામાં આવશે





