
શ્રી સનાતન ધર્મ મંડળના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ૧થી ૭ સપ્ટેમ્બર સુધી કથાનું આયોજન, પિતા શરદભાઈ વ્યાસ બાદ પુત્ર આશિષભાઈ વ્યાસ પણ વિશ્વભરમાં સનાતન ધર્મનો સંદેશ પહોંચાડી રહ્યા છે

સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિની સુવાસ આજે વિશ્વના અનેક દેશોમાં પ્રસરી રહી છે. ત્યારે ધરમપુર માટે ગૌરવની વાત છે કે ધરમપુરના વતની અને જાણીતા કથાકાર પરમ શ્રદ્ધેય શ્રી આશિષભાઈ વ્યાસ હવે આફ્રિકાની ધરતી પર પણ શ્રીમદ્ ભાગવતનો સંદેશ પહોંચાડી રહ્યા છે. યુગાન્ડાની રાજધાની કંપાલામાં શ્રી સનાતન ધર્મ મંડળ (SSDM)ના શતાબ્દી મહોત્સવના પાવન પ્રસંગે તેમના શ્રીમુખેથી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી સનાતન ધર્મ મંડળ (SSDM), કંપાલા-યુગાન્ડા દ્વારા તા. ૧ સપ્ટેમ્બરથી ૭ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન SKLPS Campus, Bukoto, Kampala, Uganda ખાતે આ સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનું દૈનિક આયોજન સાંજે ૫:૦૦થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી રહેશે.
કથા પ્રસંગે તા. ૧ સપ્ટેમ્બરે સાંજે ૪:૦૦ કલાકે પોથી યાત્રા, ૪:૩૦ કલાકે દીપ પ્રાગટ્ય તથા ૫:૦૦ કલાકે શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ થશે. તા. ૪ સપ્ટેમ્બરે શ્રીરામ જન્મ તથા શ્રી નંદ મહોત્સવ (જન્માષ્ટમી), તા. ૫ સપ્ટેમ્બરે શ્રી ગોવર્ધન પૂજા, તા. ૬ સપ્ટેમ્બરે શ્રી રુક્મિણી વિવાહ અને તા. ૭ સપ્ટેમ્બરે કથા વિરામનો પાવન પ્રસંગ ઉજવાશે.
આ કથા માત્ર ધાર્મિક આયોજન પૂરતી સીમિત નથી, પરંતુ વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને ભગવાન શ્રીકૃષ્ણના સંદેશને લોકો સુધી પહોંચાડવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે. કંપાલામાં વસતા ભારતીય સમાજ તેમજ અન્ય ભાવિકો માટે આ કથા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે.
પિતા-પુત્રની અનોખી સનાતન સેવા:
આ સમગ્ર પ્રસંગને વધુ વિશેષ બનાવતી બાબત એ છે કે આશિષભાઈ વ્યાસના પિતા પરમ આદરણીય શ્રી શરદભાઈ વ્યાસ પણ વર્ષોથી સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વિચારોના પ્રચાર-પ્રસાર માટે દેશ-વિદેશમાં કાર્ય કરી રહ્યા છે. તાજેતરમાં જ હાવર્ડ યુનિવર્સિટી ખાતે શ્રી શરદભાઈ વ્યાસ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જે ધરમપુર સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત બની હતી.
એક તરફ પિતા શ્રી શરદભાઈ વ્યાસ વૈશ્વિક મંચો અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ સુધી સનાતન ધર્મ તથા ભારતીય સંસ્કૃતિનો સંદેશ પહોંચાડી રહ્યા છે, ત્યારે બીજી તરફ પુત્ર શ્રી આશિષભાઈ વ્યાસ શ્રીમદ્ ભાગવત કથાના માધ્યમથી ભારત ઉપરાંત વિદેશની ધરતી પર પણ ભક્તિ, સંસ્કાર અને સનાતન ધર્મનો સંદેશ આપી રહ્યા છે.
પિતા-પુત્રની આ જોડી દ્વારા સનાતન ધર્મની સેવા અને પ્રચારની પરંપરા આગળ ધપાવવાનું કાર્ય ખરેખર અનોખું છે. ધરમપુરની ધરતી સાથે જોડાયેલા આ બંને વ્યક્તિત્વો પોતાની વાણી અને જ્ઞાનના માધ્યમથી દેશ-દુનિયામાં ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો ડંકો ગજાવી રહ્યા છે.
ધરમપુર માટે આ ગૌરવની ક્ષણ છે કે અહીંની ધરતીના સંસ્કાર પામેલા આશિષભાઈ વ્યાસના શ્રીમુખેથી આફ્રિકાની ધરતી પર શ્રીમદ્ ભાગવત કથાની અમૃતધારા વહેવાની છે. તેમની આ આધ્યાત્મિક યાત્રા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ ધરમપુરની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને વૈશ્વિક સ્તરે પહોંચાડતી બાબત છે.
વિશ્વભરના ભાવિકો ઓનલાઈન પણ જોડાઈ શકશે
કંપાલામાં યોજાનારી સમગ્ર શ્રીમદ્ ભાગવત કથાનું લાઇવ પ્રસારણ ‘ASHISHBHAI VYAS OFFICIAL’ YouTube Channel સહિતના માધ્યમો દ્વારા કરવામાં આવશે. જેના કારણે કંપાલા ઉપરાંત ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી ભાવિકો પણ કથાનો લાભ લઈ શકશે.
આ પાવન આયોજન માટે શ્રી સનાતન ધર્મ મંડળ (SSDM), કંપાલા-યુગાન્ડા દ્વારા ભાવિકોને ઉપસ્થિત રહી શ્રીમદ્ ભાગવત કથાનો આધ્યાત્મિક લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.







