
સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વેપારી, વાણિજ્ય અને સેવાકીય એકમો માટે રાજ્ય સરકારે માતબર આર્થિક સહાય તેમજ પુનઃવસન પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા તા.૧૫/૦૭/૨૦૨૬ના રોજ ઠરાવ ક્રમાંક IMD/WRT/e-file/9/2026/2425/CH થી આ મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જુલાઈ-૨૦૨૬ દરમિયાન ભારે અતિભારે વરસાદ અને પૂરના કારણે નુકશાની વેઠનાર નાના, લઘુ અને મધ્યમ વર્ગના વેપાર, વાણિજ્ય તથા સેવાકીય એકમોને પુનઃ કાર્યાન્વિત કરવા માટે વર્તમાન બજાર કિંમતો અને આર્થિક સ્થિતિને સુસંગત સહાય આપવામાં આવશે.
સરકારના આમુખમાં જણાવ્યા મુજબ, અગાઉ સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. હવે એ જ ધોરણે નવસારી અને વલસાડ જિલ્લામાં પણ જુલાઈ-૨૦૨૬ દરમિયાન થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્યિક, વેપારી અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા એકમોની નુકશાની અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ (CMRF)માંથી સહાય પેકેજ જાહેર કરવાનો સરકારશ્રીએ નિર્ણય લીધો છે.
કઈ કેટેગરીને કેટલી સહાય મળશે
ઠરાવ મુજબ લારી-રેંકડી ધારકોને ઉચ્ચક રૂ.૭,૫૦૦ સુધીની રોકડ સહાય આપવામાં આવશે. ૪૦ ચોરસ ફૂટ સુધીના વિસ્તારવાળી નાની સ્થાયી કેબિનધારકોને ઉચ્ચક રૂ.૨૫,૦૦૦ સુધીની જ્યારે ૪૦ ચોરસ ફૂટથી વધુ વિસ્તારવાળી મોટી કેબિનધારકોને ઉચ્ચક રૂ.૫૦,૦૦૦ સુધીની રોકડ સહાય નિર્ધારિત કરવામાં આવી છે. પાકા બાંધકામવાળી અને છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવી કાયમી દુકાનોના ધારકોને ઉચ્ચક રૂ.૧,૦૦,૦૦૦ સુધીની રોકડ સહાય મળવાપાત્ર રહેશે.
આ ઉપરાંત વધુ ટર્નઓવર ધરાવતા પાકા દુકાનધારકો માટે વ્યાજ સહાય યોજના પણ જાહેર કરાઈ છે. જેમનું છેલ્લા ત્રિમાસિકનું માસિક ટર્નઓવર રૂ.૭.૫ લાખ સુધીનું હોય તેમને રૂ.૨૦ લાખ સુધીની ટર્મ લોન પર ૩ વર્ષ સુધી ૭ ટકાના દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂ.૫ લાખની મર્યાદામાં) મળશે. રૂ.૭.૫ લાખથી ૧૫ લાખ સુધીનું ટર્નઓવર ધરાવતાને રૂ.૨૫ લાખ સુધીની લોન પર સમાન દરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂ.૮ લાખની મર્યાદામાં) અને રૂ.૧૫ લાખથી વધુ ટર્નઓવર ધરાવતાને રૂ.૩૦ લાખ સુધીની લોન પર વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂ.૧૦ લાખની મર્યાદામાં) આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા અને શરતો
ઠરાવમાં સ્પષ્ટ કરાયું છે કે લારી-રેંકડી, કેબિન અને પાકી દુકાનની ઉચ્ચક રોકડ સહાય માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ પ્રત્યક્ષ સર્વે તેમજ ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી જેવા આધારો પરથી પાત્રતા નક્કી થશે. અસરગ્રસ્તોએ સંબંધિત મ્યુનિસિપલ કમિશનરશ્રી, મામલતદારશ્રી અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે, જે ત્યારબાદ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલવામાં આવશે. જ્યારે વ્યાજ સહાય મેળવવા ઈચ્છુક અરજદારોએ સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)ને બેંકમાંથી લોન મેળવ્યાના પુરાવા સાથે અરજી કરવાની રહેશે, જેની અંતિમ મંજૂરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી આપશે.
નોંધનીય છે કે એક જ લાયકાત ધરાવતા અરજદારને ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહાય પૈકી માત્ર કોઈ એક જ વિકલ્પનો લાભ મળવાપાત્ર રહેશે. ઉચ્ચક રોકડ સહાય માટે અરજી કરવાની અંતિમ મર્યાદા તારીખ ૩૦/૦૯/૨૦૨૬ નિર્ધારિત કરાઈ છે, જ્યારે વ્યાજ સહાય માટે ઠરાવ થયા તારીખથી ૬ મહિના સુધીની સમય મર્યાદા આપવામાં આવી છે. જે એકમોએ એપીએમસી (APMC) માટેની સહાય યોજના હેઠળ સહાય મેળવી હશે તેઓ આ યોજના હેઠળ સહાયપાત્ર રહેશે નહીં.
સહાય સમિતિ અને દેખરેખ વ્યવસ્થા
તાલુકા/ઝોન કક્ષાએ ઉચ્ચક રોકડ સહાય મંજૂર કરવા માટે સંબંધિત મહાનગરપાલિકાના જે-તે ઝોનના ડેપ્યુટી કમિશનરશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અથવા સંબંધિત પ્રાંત અધિકારીશ્રી અધ્યક્ષ હોય તેવી સમિતિની રચના સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવશે. સહાય મંજૂર કરવા અંગે કોઈ તકરાર, વિવાદ કે પુનઃ સર્વે અંગેની બાબતોમાં જિલ્લા કક્ષાની અપીલ સમિતિની રચના પણ કરાઈ છે, જેમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી (DDO) તથા સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી સભ્ય તરીકે રહેશે.
આ સમગ્ર યોજના હેઠળનો ખર્ચ માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડ (CMRF) માંથી કરવામાં આવશે અને જરૂરી ગ્રાન્ટ સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીને સીધી ફાળવવામાં આવશે. કલેક્ટરશ્રીએ આ ખર્ચનો વિગતવાર હિસાબ મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડના સચિવશ્રી, ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા કમિશનરશ્રી (MSME)ને નિયમિત મોકલવાનો રહેશે.
આ ઠરાવ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ઉદ્યોગ અને ખાણ વિભાગના નાયબ સચિવ અંકિતા આર. કિશન દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.





