સાવ નવરી બજાર અને લુખ્ખા તત્વો જમીન દલાલીમા ઉતરી જતા છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા

પારડીમાં જમીન વેચાણના નામે વચેટિયાએ પાર્ટી પાસેથી નાણાં લીધા બાદ દસ્તાવેજ કરી ન આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ બાદ પારડી, વાપી અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં સક્રિય બની રહેલા જમીન દલાલો અને વચેટિયાઓ અંગે પણ સવાલો ઊભા થયા છે.
હાલમાં જમીન-મકાનની લે-વેચના વ્યવસાયમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે. ખાસ કરીને વાપી નજીકના ગામડાઓમાં દિવસ દરમિયાન પાન-માવાની લારી કે ગલ્લા પર બેસતા કેટલાક લોકો પોતાને જમીન દલાલ તરીકે ઓળખાવી આસપાસના વિસ્તારોમાં જમીન બતાવવા માટે ફરતા હોવાની ચર્ચા છે. જમીન ખરીદનાર ગ્રાહકોને આવા લોકો દ્વારા સસ્તા ભાવે જમીન અપાવવાની વાતો કરી આકર્ષવામાં આવે છે.
જમીન દલાલીનો વ્યવસાય કરવા માટે કોઈ ચોક્કસ શૈક્ષણિક ડિગ્રી કે પ્રમાણપત્રની જરૂરિયાત ન હોવાને કારણે આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. જોકે, દરેક વ્યક્તિ વિશ્વસનીય જમીન દલાલ હોય તે જરૂરી નથી. કેટલાક લોકો માત્ર પોતાની ઓળખાણ અને વાતચીતના આધારે ગ્રાહકો પાસેથી સોદો કરાવવાના નામે નાણાં લેતા હોવાના આક્ષેપો પણ સમયાંતરે સામે આવે છે.
જમીન ખરીદવા ઈચ્છતા લોકો માટે સૌથી મોટું જોખમ ત્યારે ઊભું થાય છે જ્યારે દલાલ દ્વારા સસ્તા ભાવની લાલચ આપવામાં આવે અને કોઈપણ સત્તાવાર દસ્તાવેજ કે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના નાણાંની માંગ કરવામાં આવે. આવા કિસ્સામાં પૈસા આપ્યા બાદ દસ્તાવેજ માટે ધક્કા ખવડાવવામાં આવે અથવા દલાલ ફોન ઉપાડવાનું બંધ કરી દે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આથી પારડી, વાપી અને ઉમરગામ વિસ્તારમાં જમીન ખરીદનારોએ માત્ર દલાલની વાતો પર વિશ્વાસ કરવાને બદલે તેની ઓળખ અને વિશ્વસનીયતા અંગે યોગ્ય તપાસ કરવી જરૂરી છે. જમીનના માલિકી હક્ક, 7/12 ઉતારા, અન્ય સંબંધિત રેકોર્ડ અને દસ્તાવેજોની કાયદેસર તપાસ કરાવ્યા બાદ જ સોદો કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તમામ નાણાકીય વ્યવહારની સત્તાવાર નોંધ રાખવી અને યોગ્ય દસ્તાવેજી પ્રક્રિયા વિના મોટી રકમ ચૂકવવાનું ટાળવું જરૂરી છે.
પારડીમાં બનેલી ફરિયાદની ઘટનાથી જમીન લે-વેચના વ્યવસાયમાં સક્રિય વચેટિયાઓ અંગે ફરી એકવાર સાવચેતીનો સંદેશ મળ્યો છે. જમીન ખરીદનારાઓએ સસ્તા ભાવની લાલચમાં ઉતાવળ ન કરવી અને અજાણ્યા દલાલને માત્ર વાતોના આધારે નાણાં આપવાથી દૂર રહેવું જરૂરી છે. યોગ્ય તપાસ અને કાયદેસરની પ્રક્રિયા વિના કરવામાં આવેલો જમીનનો સોદો પાછળથી આર્થિક નુકસાન તેમજ કાનૂની મુશ્કેલીનું કારણ બની શકે છે.





