
વાપી ટાઉન નહેરુ સ્ટ્રીટ ખાતે આવેલ શ્રી લબ્ધિસૂરિજી જ્ઞાનમંદિરમાં જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજ અને પૂ. મુનિશ્રી પ્રેમદર્શનજી મહારાજની પાવન નિશ્રામાં ધર્મસભાનું આયોજન થયું હતું. આ રૂડા અવસરે પૂ. આચાર્ય શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, જ્યાં જવાનું હોય તેની આપણે તૈયારી કરતા હોઈએ છીએ એ જ રીતે અહીંથી જ્યાં જન્મ લેવાનો છે ત્યાંની પણ તૈયારી કરવી જોઈએ. વર્તમાનનો જ વિચાર કરવાનો નથી, ભવિષ્યની પણ વિચારણા કરવી જોઈએ. પુણ્યનો બગાડ ન કરવો જોઈએ અને તમારા પ્રભાવનો પણ બગાડ ન કરવો જોઈએ. વર્તમાનને સેટ કરવા પુણ્યથી મળેલી સંપત્તિનો બેફામ ઉપયોગ કરવાથી ભવિષ્ય ધૂંધળું બની જશે. તમારા સંતાનો અને પરિવાર સંબંધી ભવિષ્યની વિચારણા કરવી જરૂરી છે. અત્યારે તો સંસ્કાર કરતાં પણ સંપત્તિની વધુ ચિંતા થઈ રહી છે. સંસ્કારધન એ શ્રેષ્ઠ કક્ષાનું ધન છે. સંસ્કારોની હોળી થશે તો જીવન ઉદ્યાનને બદલે ઉકરડો બની જશે.

જીવનને નંદનવન બનાવવા માટે જે કાર્ય તમે કરી રહ્યા છો તેમાં પુરા રસ સાથે કામ કરો. દરેક વ્યક્તિએ પોતાની જે ડ્યુટી હોય તે બરાબર બજાવવી જોઈએ. સરકારી ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય. કાર્યમાં આળસ ન કરો અને વેઠ ન ઉતારો. ધર્મનું અને ધંધાનું સ્થાન જે છે તેને બરાબર વળગી રહો. પુરા ઉત્સાહ અને ઉમંગ સાથે કામ કરો. કામચોરી એ હિન્દુ રાષ્ટ્રની પ્રજાની મોટી નબળાઈ છે. અન્ય દેશોમાં ખંતપૂર્વક અને પૂર્ણ જવાબદારી જે કામ કર્મચારી વર્ગ કરે છે તે આપણા દેશમાં જોવા મળતી નથી. ધર્મ કે ધનના ક્ષેત્રમાં પુરો રસ બતાવવો જોઈએ. જીવનના કોઈ પણ ક્ષેત્રે સફળ થવું હોય ત્યાં નેગેટિવીટીનો ત્યાગ કરો. *સફળતાની સીડીએ ચડવા માટે હકારાત્મક અભિગમ અપનાવો. નકારાત્મક અભિગમ જીવનને નિષ્ફળ બનાવે છે. તમારી નબળાઈઓને શોધીને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સમર્પિત વ્યક્તિ જ જીવનમાં સફળ થાય છે. અર્જુન શ્રીકૃષ્ણને સંપૂર્ણ સમર્પિત હતા માટે જ કુરુક્ષેત્રના મેદાનમાં વિજય થયો હતો. નાના માણસોએ વડીલોની મર્યાદા જાળવવી જોઈએ. સાસુ-વહુ કે બાપ-દીકરા વચ્ચે સમર્પણ હોય તો સંઘર્ષ કે સંક્લેશને કોઈ અવકાશ નથી. જ્યાં સમર્પણ છે ત્યાં સિદ્ધિ છે. શંબૂક પોતાની માને સમર્પિત રહ્યો નહીં માટે સાધના નિષ્ફળ ગઈ અને મૃત્યુ થયું.




