તારીખ 28 જાન્યુઆરી થી 1 ફેબ્રુઆરી સુધી જલારામ ખમણ સોપ થી જી એસ ટી ભવન સુધી નો રોડ બંધ

વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રોડ રસ્તાઓ પર વિકાસ અને નવીનીકરણના નામે વ્યાપક ખોદકામ કરવામાં આવી રહ્યું છે. એક સાથે અનેક વિસ્તારોમાં રોડ ખોદવામાં આવતા શહેરમાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. રોજબરોજ કામકાજ માટે નીકળતા નાગરિકો, વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પૂર્વ વિસ્તારમાં રેલ્વે સ્ટેશનથી જુના ગરનાળા સુધીના માર્ગના નવીનીકરણને લઈ આ માર્ગને વન-વે જાહેર કરવામાં આવ્યો છે. પરિણામે વૈકલ્પિક રસ્તાઓ પર વાહનોનો ભાર વધ્યો છે. ખાસ કરીને સવાર અને સાંજના વ્યસ્ત સમયમાં વાહન ચાલકોને લાંબી લાઈનોમાં અટવાવું પડી રહ્યું છે, જેના કારણે સમય અને ઈંધણ બંનેનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે.
આ વચ્ચે પશ્ચિમ વિસ્તારમાં વાપી ઝંડા ચોકથી જીએસટી ભવન તરફ જતા મુખ્ય માર્ગ પર પણ સમસ્યા ઊભી થઈ છે. જલારામ ખમણ દુકાનથી લઈ જીએસટી ભવન સુધી ફ્રિજ ઉપર ગટર ગોઠવવાની કામગીરીને કારણે તારીખ 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી માર્ગ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી પશ્ચિમ વિસ્તારમાં આવન-જાવન કરનારા નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે.
માર્ગ બંધ થવાને કારણે ફાટક તરફથી આવતા વાહનો કયા માર્ગનો ઉપયોગ કરશે તે પ્રશ્ન ઊભો થયો છે. બીજી તરફ ચલા વિસ્તારમાંથી આવનારા અને વાપી બજાર તરફ જતા લોકો માટે એકમાત્ર બજાર રોડ જ વિકલ્પ તરીકે બાકી રહે છે. પરિણામે આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ અનેક ગણું વધી જવાની શક્યાતા વધી
ખાસ કરીને સાંજના કુલ છૂટવાના સમયે બજાર રોડ, ફાટક વિસ્તાર અને આસપાસના ચોરાહાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. અગાઉથી જ સંકુચિત રસ્તાઓ અને અનિયમિત પાર્કિંગની સમસ્યા ધરાવતા આ વિસ્તારોમાં હવે વાહનોનો ભાર વધતાં અકસ્માતોની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી વધુ પરેશાની ટ્રાફિક પોલીસ કર્મચારીઓને થતી જોવા મળી રહી છે. શહેરના અનેક સ્થળોએ એક સાથે ખોદકામ ચાલી રહ્યું હોવાથી દરેક જગ્યાએ ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસને સતત તૈનાત રહેવું પડી રહ્યું છે. મર્યાદિત સ્ટાફ અને વધતી સમસ્યાઓ વચ્ચે ટ્રાફિક સંભાળવું એક મોટી પડકારરૂપ કામગીરી બની
શહેરના નાગરિકોમાં આ વિકાસ કામગીરીના આયોજન અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. એક સાથે અનેક મુખ્ય માર્ગો બંધ કરવાને બદલે તબક્કાવાર કામ કરવામાં આવ્યું હોત તો નાગરિકોને થતી મુશ્કેલી ઘટી શકી હોત તેવી ચર્ચા ચાલી રહી છે. હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો આ ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે શું પગલાં લે છે.




